પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મજિયારા હૃદયની અશ્રુત્રિવેણી
૧૯૩
 


ઊની જ રહેવાની. ખોળિયું આખું ભડભડ બળી જાશે તોય આવડું આટલું કાળજું કાચું રહી જશે. એ કેમેય કર્યું ટાઢું નહિ થાય. ટાઢી ઠારનારો દીકરો ભગવાને માંડ કરીને એક આપ્યો, તો એ તો અધવચ રઝળાવીને હાલ્યો ગયો, હવે તમારા – પારકી જણીઓના – શા ઓરતા કરવા....?’

‘કોઈના આયખાની દોરી આપણા હાથમાં થોડી છે ?’ રિખવની યાદ તાજી થતાં માનવંતી રડી પડતી. ‘એમ હોય તો તો એવા જુવાનજોધને કમોતે શેનો મરવા દેત ? સંધીના ગામનો મેળો જોવા અસૂરી રીતે જાવાની શી જરૂર હતી ? પણ કેતા નથી કરમમાં સોમવાર માંડ્યો હોય તો એનો મંગળવાર નથી થાતો.’

‘સંધીનું ગામ’ શબ્દ સાંભળીને આભાશા થરથરી ઊઠતા. તરત એમના મગજમાં વર્ષો પહેલાંનું મેડીના માઢમાં ઊભેલી એમીનું દૃશ્ય સણકો લાવી જતું. ખુન્નસભર્યાં એમીનાં સાસરિયાં યાદ આવતાં આભાશા કમ્પી ઊઠીને કહેતા :

‘મીંગોળાની ધરતી એને ધા નાખતી હશે. એનું મોત પારકી ભોમકામાં માંડ્યું હશે. ઘરનાં માણસોનો શાતા દેતો હાથ માથે ફરવાનું પણ એના નસીબમાં નહિ લખાયું હોય તે દુશ્મને લાશ પણ હાથમાં આવવા ન દીધી. એનું મોત એને મીંગોળે બરકી ગયું. પારકી ભોંય એને પોકારતી હોય એમાં આડા હાથ ક્યાંથી દેવાય...?’

આટલું બોલતાં આભાશાનું હૃદય ધ્રૂજી ઊઠ્યું. એમની ઊંડી ગયેલી આંખોમાંથી અસ્ખલિત અશ્રુધારા વહેવા માંડી. અને મજિયારા હૃદયની સરખી માલેકણો – માનવંતી અને નંદન પણ માનવજીવનની ભયંકર વિફળતાથી ત્રાસી ઊઠીને લાગણીશીલતાની ઉત્કટ ક્ષણે પીગળી ગયાં. અને પતિના પુનિત અશ્રુપ્રવાહમાં બન્ને બહેનોએ પોતપોતાની અશ્રુધારાઓ ઠાલવી.

ઓરડાની ઈંટો ને જો હૃદય હોત તો મજિયારાં હૃદયની અશ્રુત્રિવેણીમાં એણે પણ જરૂર સાથ પુરાવ્યો હોત.

*