પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[૨૫]


સૂનું સુવર્ણપાત્ર

મરત અસ્વસ્થ છે. એક તરફથી એને સોંપવામાં આવેલું કામ ઝટપટ પતાવાની ચતરભજ તાકીદ કરી રહ્યો છે. બીજી તરફથી વહેમીલી નંદન આભાશાને એક ઘડી પણ રેઢા નથી મૂકતી. ત્રીજી તરફથી વળી કોઈ કોઈ વાર એને ભાઈ પ્રત્યે અનુંકપા પણ ઊપજે છે અને થાય છે, ચાલ, ઘોળેલા અફીણનો વાટકો ઢોળી નાખું !

આવાં ત્રિવિધ બળો વચ્ચે અમરત ત્રિશંકુની યાતનાઓ વેઠી રહી છે.

પોતાના કૃત્યનાં પરિણામો શાં શાં આવશે એની કલ્પના પણ અમરતને અકળાવી મૂકે છે. હું કદાચ પકડાઈ તો નહિ જાઉં ! કોઈને જાણ થઈ જાય તો શું થાય ? આવાં આવાં ચિંતાજનક પરિણામોની યાદ સાથે એને અન્ય આનંદજનક પરિણામો પણ યાદ આવતાં : પેઢીનો આખો હડફો ચતરભજ હાથ કરી લિયે. નવી અને જૂની બેયને જીવાઈ આપીને તગડી મેલે, પેઢીમાં તિજોરીવાળા મોટા મુખદાને અઢેલીને મામાની બેઠક ઉપર દલુ બેસે...

અમરતનું હૃદય ઝણઝણાટી અનુભવી રહ્યું. એણે મક્કમ નિર્ધાર કર્યો કે આજે તો હિંમત કરીને ભાઈ પાસે પહોંચી જ જવું. એમ વાણિયાશાહી પોચટતાથી કોઈ કામ પાર પડવાનાં હતાં ? પોતે કામ પતાવી લિયે એટલી વાર નંદનને દૂર કરવાનો પણ એણે કીમિયો રચી કાઢ્યો.