પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
વ્યાજનો વારસ
 


એક વખત તો એવું બન્યું કે સુલેખા એના નિત્યક્રમ પ્રમાણે નિયત સમયે સસરાજીની શુશ્રૂષા માટે આવી ત્યારે જ ચિત્તભ્રમ આભાશાએ રિખવ સાથે વાતચીત માંડી અને એ હીબકતી હવામાં સુલેખા મૂર્ચ્છા ખાઈને ઊભી પછડાટે હેઠી પડી ગઈ. બરોબર એક કલાકે એ હોશમાં આવી.

ત્યાર પછી આભાશાને સતત ઘેનની દવા આપી રાખવામાં આવતી.

નંદન અત્યારે ઉંબરમાં બેઠી બેઠી એક આંખ આભાશા ઉપર અને એક આંખ પાપડ ઉપર માંડી રહી હતી.

‘કેમ છે ભાઈને અત્યારે ?’ કરતીકને અમરત ઓરડામાં આવી. હમણાં હમણાં એના ચહેરા ઉપર એક જાતની ભયપ્રેરક વિકૃતિ ઊપસતી આવતી હતી. એ જોઈને નંદન વધારે સાવચેત બની અને પાપડની ફિકર પડતી મૂકીને પતિ તરફ એણે ધ્યાન ફેરવ્યું.

આડીતેડી વાતોમાં અમરતે ઠીકઠીક સમય પસાર કરી નાખ્યો અને નણંદ અંગેનો નંદનના પેટનો ફટકો પણ થોડો ઓછો કરી નાખ્યો.

સન્નિપાતી બકવાટ ઓછો કરવા માટે યોજાયેલી આભાશાની ઘેનની અવસ્થા બદલ અમરતે વસવસો વ્યક્ત કર્યો અને આંખમાંથી બે ટીપાં પણ પાડી બતાવ્યાં.

નણંદનું આ સમસંવેદન જોઈને નંદન અર્ધી અર્ધી થઈ ગઈ. આવી પ્રેમાળ બહેન જે સગા ભાઈનો વાળ પણ વાંકો ન કરે એ અફીણ તો શેં પાઈ શકે, એ પ્રશ્ન નંદનને પજવી રહ્યો. અને પોતે નણંદને માટે બાંધેલા હલકટ ખ્યાલ બદલ જરા ક્ષોભ પણ અનુભવી રહી. છતાં આભાશાના ખાટલા ઉપરથી એ પોતાની નજર આઘી નહોતી ખેસવતી.

પણ નંદન પોતાની નજર આઘી ન ખેસવે તો અમરત થોડી એમ ને એમ બેસી રહે એવી હતી ? એણે તો એનો વ્યૂહ ક્યારનો