પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
વ્યાજનો વારસ
 


કરે એવો ભય છે, એટલે એણે હળવેક રહીને એક ખૂણે પડેલી પાણીની કોઠી ઊંધી વાળી નાંખી અને મામી માટે એ કચકાણ સમુંનમું કરવાનું નવું કામ ઊભું કર્યું.

દરમિયાનમાં પાછળથી અમરતે પોતાનું કામ પતાવી લીધું હતું તેથી નવરી પડતાં એ પણ ભોજાઈની મદદે દોડી આવી.

‘રાંડ ગાય પણ ભારે જબરી ! જાતાં જાતાં શીગડું ભરાવીને પાણીની કોઠી ઊંધી વાળતી ગઈ.’ દલુએ ખુલાસો તૈયાર જ રાખ્યો હતો.

‘સારું થયું કોઈને શીંગડે ન લીધાં. પાપડનો કાલ ઊઠીને બીજો લોટ બાંધશું. સંધીય ખોટ ખમાય પણ માણસની ખોટ પડત તો એ ન ખમાત.’

અમરતનો ગુનાહિત અંતરાત્મા જાણે કે કશીક આગમવાણી ઉચ્ચારી રહ્યો હતો.

ગાય આવીને પાપડ ખાઈ જાય છે એવી દલુની બૂમ સાંભળીને નંદન ઉંબરેથી ઊઠી કે તરત અમરતે સાડલાના છેડા તળે સંતાડેલી ચીજ કાઢી અને આભાશાનું મોં ઉઘાડીને એમાં ગરેળો કરવા લાગી હતી. આભાશાનો બકવાટ ઓછો કરવા માટે એમને ઘેનની દવા આપવામાં આવતી, છતાં તેઓ સભાન અવસ્થા છેક ગુમાવી નહોતા બેઠા. એમની સ્વાદેન્દ્રિય તો સતેજ હતી જ. પીણાનો સ્વાદ પરખાતાં એમની સ્મરણશક્તિ પણ જાગ્રત થઈ અને ચતરભજ–અમરતની જોડલીએ રચેલી ત્રાગડાની યાદ પણ તાજી થઈ.

પણ એ તાજી થયેલી યાદ હવે કશા ઉપયોગની નહોતી, બે ઘૂંટડા તો ગટાક ગટાક ગળે ઊતરી ચૂક્યા હતા. પણ ત્રીજો અને છેલ્લો ઘૂંટડો જે હજુ મોંમાં હતો એને આભાશાએ ગળે ઊતરવા ન દીધો અને નંખાઈ ગયેલા શરીરમાં પણ જે રહ્યુંસહ્યું જોમ હતું એ સઘળું એકઠું કરીને એક મહાપ્રયત્ન વડે તેમણે અમરતના હાથને મોં વડે ઝાટકો માર્યો અને મોંમાં વધેલા અફીણનો ઘૂંટડો ભીંત ઉપર થૂંકી નાખ્યો.