પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૂનું સુવર્ણપાત્ર
૧૯૯
 


પણ એમ કરવાથી કશું વળે એમ નહોતું, પેટમાં પ્રવેશી ગયેલું પ્રવાહી આભાશાનો પ્રાણ લેવા માટે પૂરતું હતું.

તે રાતે આભાશાએ કશી લવરી કે બકવાટ ન કર્યો. રિખવ સાથે વાત ન કરી, વિમલસૂરી સાથે તત્ત્વચર્ચા ન આદરી કે વ્યાજના ટકાની ગણતરી પણ ન કરી. વૈદ્યની દવાના અને અમરતના અફીણના બેવડા ઘેનમાં તેઓ ઘોંટી ગયા.

રોજ સવારના પહોરમાં નંદન સોનાની થૂંકદાની અને દાતણ લઈને આભાશાના ખાટલા સામે મૂકતી અને આભાશાને દાતણ કરાવતી. અને એમાં નંદનને પારાવાર તકલીફ અનુભવવી પડતી. પણ આજે જ્યારે એણે થૂંકવાનું સુવર્ણપાત્ર અને દાતણ મૂક્યાં ત્યારે આભાશાને પથારીમાંથી ઊઠવાપણું રહ્યું નહોતું. નંદનની એ તકલીફ હમેશને માટે ટળી ગઈ હતી.

આભાશાની ઝળહળતી દેહલતા ઝાંખી પડવાથી, લાખ લાખ સૂર્યકિરણો વેરતું હોય એવું આ મહામૂલું સુવર્ણપાત્ર એકલવાયું પડતાં જાણે કે ઝાંખુંઝપ લાગવા માંડ્યું.

આ ઘરમાં ચાર ચાર પેઢીથી કામગીરી આપતું આવેલું એ પાત્ર આજે એના ભોગવનારાની ખોટ પડતાં અણોસરું બનીને પોતાની સૂની સહસ્ત્રરશ્મિ શી દીપ્તિ બદલ ભોંઠામણ અનુભવી રહ્યું હતું.

*