પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૨૬]


ઓશિયાળી અમરત

ભાશાના મૃત્યુ પછી પણ અમરતની આકાંક્ષાઓ ફળીભૂત ન થઈ. કમનસીબે લશ્કરી શેઠ જસપરમાં હાજર હોવાથી ચતરભજ પેઢીની અંદર જેટલી ઘાલમેલો કરવાની આશા રાખતો હતો તેટલી ઘાલમેલો ન થઈ શકી.

લશ્કરી શેઠે તાબડતોબ પેઢીનો કબજો લઈ લીધો, ચોપડા જોઈ લીધા, પુરાંતો તપાસી લીધી. હૂંડી–બુકમાં જોઈને ધીરધાર તેમ જ બજારમાં ફરતી હૂંડીઓની રકમ મેળવી લીધી. આભાશાએ સોંપેલ ખાનગી અંગત ચોપડા પ્રમાણે કેટલીક મેલમૂકના અસ્તિત્વની ખાતરી કરીને એનો જાપ્તો મજબૂત બનાવી લીધો.

અમરત તો સાવ હાથ ઘસતી જ રહી ગઈ. ચતરભજ જે થોડું ઘણું પોતાના ઘર ભેગું કરી શક્યો તેમાંથી પણ અમરતને રાતી પાઈ ન મળી; એટલું જ નહિ, પણ જે પેઢીના મોટા મખુદા ઉપર બિરાજવાનાં દલુ સપનાં સેવી રહ્યો હતો એ પેઢીના પગલૂછણિયાને અડવાનો પણ દલુને અધિકાર ન રહ્યો. લશ્કરી શેઠે દલુને પેઢીના ઉંબરામાં દાખલ થવાની મનાઈ ફરમાવી હતી.

અમરતની સ્થિતિ તો પેલી કહેવત પ્રમાણે ચોરની મા જેવી થઈ હતી; પણ એથીય વધારે વિષમતા તો એ હતી કે કોઠીમાં પેસીનેય અમરત રડી શકે એમ નહોતી, પોતાના છેક બાલવયના સ્નેહી ચતરભજે આટલે વર્ષે એને છેહ દીધો હતો. ચતરભજે પોતાની સિફતથી આભાશાના મૃત્યુનો લાભ લઈને પેઢીમાંથી ઠીક ઠીક