પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
વ્યાજનો વારસ
 

 પોતાને વીલમાં લખાયેલી મામૂલી રકમ જ મળી શકશે એમ જણાતાં લાગ્યું કે આ તો દીવો બાળીને કાંત્યા જેવો ધંધો કર્યો.

ચતરભજના હાથમાં અલબત્ત, ધાર્યા કરતાં ઘણો નાનો લાડવો આવ્યો હતો, પણ એ નાના તો નાના લાડવામાંથીય અમરતને અર્ધો તો શું પણ એક કટકીય પરખાવવા એ તૈયાર નહોતો.

આ પરિરિથતિ અમરત માટે અસહ્ય હતી. આજ દિવસ સુધી એણે ચતરભજને સ્નેહી કરતાંય વધારે તો એક ચપરાસી તરીકે ગણ્યો હતો, જે આ સામ્રાજ્ઞીનો હુકમ માથે ચડાવવા હર ક્ષણે તૈયાર રહેતો. આજે એ ચપરાસી મટીને ચમરબંધી બની બેઠો એ અમરતથી જીરવાતું નહોતું.

અલબત્ત, સુલેખા પોતાના આજન્મ સંસ્કારો વડે અમરત પ્રત્યે પૂરતા પ્રમાણમાં આદર દાખવતી, છતાં અમરતને એથી સંતોષ નહોતો થતો. એના માનસનું ઘડતર જ એવા પ્રકારનું હતું કે કોઈની ઓશિયાળી થઈને એ રહી જ ન શકે. બીજાઓને ઓશિયાળાં બનાવવામાં જ એને આનંદ આવતો. વર્ષોથી આભાશા અમરતના ઓશિયાળા હતા. ત્યાર પછી માનવંતીને તો અમરત પોતાની મુઠ્ઠીમાં જ રાખતી. રિખવ પણ, એના હાથમાં વહીવટ નહોતો આવ્યો ત્યાં સુધી વિલાસી જીવનના બેફામ ખરચાઓ માટે ફઈનો ઓશિયાળો હતો. નંદનને તો આ ઘરનો ઉંબરો દેખાડવાની આખી યોજના જ મૂળ અમરતના મગજમાંથી ઉત્પન્ન થઈ હતી તેથી એ તો અમરતના હાથનું રમકડું હતી. સુલેખાને તો શરૂથી જ આ દુનિયાદારીમાં રસ નહોતો એટલે અમરત સામે માથું ઊંચકવાને એણે કદી પ્રયત્ન જ નહોતો કર્યો. દુકાનના માણસો પણ અમરતના કહ્યાગરા હતા. સામાન્ય ગામલોકો પણ આભાશાની બહેનને ‘ગામ–ફૈબા’ ગણીને અમરતની આમન્યા જાળવતાં.

આમ, પહેલેથી જ અમરત શાસન કરવાને ટેવાયેલી હતી. અન્યને ઓશિયાળાં બનાવવાની આદતવાળી અમરતને પોતાને જ્યારે ઓશિયાળા બનવાનું આવે ત્યારે એ કેમ કરીને પોસાય ? કેમ