પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જિંદગીઓના કબાલા
૨૦૫
 

 જોઈએ.’ અમરતે વ્યૂહરચના પ્રમાણે શરૂઆત કરી. ‘રતિ’ શબ્દ હમણાં હમણાં એ ‘આવડત’ના પર્યાયમાં વાપરતી હતી.

‘રતિ હોય તોયે શા કામનું ? જિંદગી ખોઈ બેઠી પછી શું ? મારે તો હવે જેમતેમ કરીને જીવતર પૂરું કરવાનું. મારો તો હવે ઓશિયાળો અવતાર....’

‘ભૂખેય ઓશિયાળો અવતાર નથી, આવડત હોય તો હજીય કાંઈ હાથમાંથી બાજી નથી ગઈ.... પંડ્યમાં રતિ જોઈએ....’ અમરત આગળ વધ્યે જતી હતી.

‘એ બધું હોય તોય હવે શા કામનું ? દુનિયા તો ઊગતાને પૂજે. મારી શી ગુંજાશ ?’

‘ઈ ઊગતાનેય આથમાવી દેવા તારા હાથમાં છે. પણ આવડવું જોઈએ. બાઈ–માલીની જેમ રોવા બેઠે કાંઈ ન વળે.’

અમરત આવી રીતે ધીમે ધીમે નંદનને ઉશ્કેરતી જતી.

કાંઈક કુતૂહલ અને કાંઈક આશાથી પ્રેરાઈને નંદને એક દિવસ તો અમરતને એકાંતમાં બોલાવીને પૂછી જ નાખ્યું :

‘બહેન, તમે રોજ આવડત જોઈએ, આવડત જોઈએ, એમ કહ્યા કરો છો તો શાની આવડત એ તો જરા કહો !’

‘એમ મારે કીધે તારામાં થોડી આવડત આવી જાવાની છે ? માગ્યે તેલે મેરાયાં ક્યાં લગી બળે ? તારામાં પંડ્યમાં જ રતિ જોઈએ.'

‘પણ તમ જેવાં નણંદ પડખામાં હોય ને એટલી આવડત આ ભોજાઈને ન શીખવો તો પછી તમે નણંદ થયાં શા કામનાં ?' નંદને અમરતને લપસાવવા માંડી : ‘તમારી આટલી આવડત ને હોશિયારીનો અમને તો કાંઈ લાભ જ નહિ ને ?’

‘એ લાભ કાંઈ મફત થોડા જડે ! દુનિયામાં સંધીય ચીજનાં નાણાં બેસે છે.’ અમરતે પેટની ચૂંક કહી બતાવી.

‘ઓય ધાડેના ! ત્યારે એમ કહોને, તો ઝટ વાતનો નિકાલ આવે. મને લાભ થતો હશે તો તમને સાવ લાભ વિનાનાં નહિ