પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
વ્યાજનો વારસ
 

 રહેવા દઉં. તમ સિવાય મારું હવે છે કોણ ? તમે તો ભલભલા મુછાળા ને ચમરબંધીનેય ભૂ પાઈ દીધાં છે. દસ ભાયડા ભાંગીને તમને એકને ઘડ્યાં હોય એવાં તમે હોશિયાર છો. ઈ હેશિયારી આ નાની ભોજાઈને ખપ નહિ આવે તો પછી કોને આવશે ?’

‘તું મને ગમે તેટલું રૂડું મનવે પણ હું હવે હૈયાફૂટી નથી થવાની. આટલા દી ‘ભાઈ ! ભાઈ !’ કરીને હું વેવલી થઈ એટલે જ ભાઈએ બેનને જશને બદલે જોડા દીધા ને ? એટલે જ દલુ આજ દી લગણ વાંઢો રઝળે છે ને ?... હવે મારે હૈયાફૂટાં નથી થાવું.’

‘પણ બહેન, હું તમારા ભાઈ જેવું નહિ કરું. એને ભલે તમારી દયા ન આવી. પણ મેં તો તમને માને ઠેકાણે ગણ્યાં છે. મારા ઉપર દયા કરો !’

‘દયા તો ડાકણને ખાય... ને મારે હવે કયા ભવ સારુ આવાં સાચાંખોટાં કરીને પાપના ભારા બાંધવા ? મેં બહુ દી લગી પારકાંને પોતીકાં ગણીને કરમ બાંધ્યાં. હવે વધારે નથી બાંધવાં.’

‘બહેન, મારી હારે હજી તમે પારકાપણું રાખો છો ? હું તો...’

‘હા, હા, ઓળખી તને તો મેં. તુંય ઓલી માનવંતીની માની જણી જ કે બીજી કોઈ ?’ બેય કામણગારીઓએ ભેગી થઈને મારા ભાઈનો જીવ લીધો.’

‘બહેન, એનું આયખું આવી રિયું હશે, એમાં આપણે આડા હાથ થોડા દઈ શકીએ છીએ ? તમે પોતે જ ઓલી સઝ્ઝાયમાં ગાવ છો કે આયખું તૂટ્યાનો સાંધો કો નહિ… રે....’

‘હવે જોઈ મોટી ધરમની ઢીંગલી થાવા માંડી છે તે !’ અમરતથી ટાઢું કે ઊંનું એકેય સહેવાય તેમ નહોતું. બોલી : ‘મોટા મહાત્માની જેમ આયખા આવી રહ્યાની વાતો કરે છે તે મારો ભાઈ જીવતો હતો ત્યારે પણ તમે ક્યાં ઓછાં કરતૂક કર્યાં હતાં ? બિચારાને ઘૂડપંખ જેવો તો કરી મૂક્યો તો....’