પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
વ્યાજનો વારસ
 

 ‘બહેન, મારે શું હવે આમ ને આમ જ અવતાર પૂરો કરવાનો ? મારે હવે સુલેખાનો ભીખ્યો રોટલો જ ખાવાનો ?’

અમરતને લાગ્યું કે મેણાંટોણાંનો આટલો આકરો તાપ આપ્યા પછી લોઢું તપીને લાલચોળ થયું છે. લાવ, ઘણ લગાવું ! બોલી :

‘તારે શું કામ ભીખ્યો રોટલો ખાવો પડે ભલા ? તારામાં જો સકરવાર હોય તો સુલેખા જ તારી પાસે રોટલો ભીખતી ન આવે ?... પણ પંડ્યમાં રતિ જોઈએ. કોકનું શીખવ્યું શિખાય નહિ.’

‘બહેન, તમે મારા ઉપર એટલો ઉપકાર પણ નહિ કરો ?’ નંદને યાચના કરી.

‘બાપુ, મેં તને કહી દીધું નહિ કે ઉપકાર કાંઈ અમથા ન થાય.’

નંદન સમજી ગઈ, બોલી :

‘બહેન, હું તમને રાજી કરીશ.’

‘મને રાજી કરવાનું તારું ગજું નથી.’

નંદનને મનમાં હસવું આવ્યું. એને બોલવાનું મન થયું કે ‘બહેન, તમને વધારે લાકડે બાળશું’ પણ અત્યારે આ તપેલ દારૂગોળા જેવી નણંદને મશ્કરીનો તિખારો અડાડવો એ સલાહભર્યું ન લાગતાં એણે ગંભીરતાથી જ દરખાસ્ત મૂકી :

‘હું કહું છું ને, કે તમને રાજી કરીશ. તમે કહેશો એટલાં નાણાં આપીશ; જો એમ કરતાંય મારો ભવ સુધરતો હોય તો.’

‘હવે બેસ બેસ નાણાં આપવાવાળી ! તારી ગુંજાશ શી ? આ અમરતે શું નાણાં નથી દીઠાં ? તું તો હજી કાલ સવારે આ ઘરમાં આવી છો, હું તો આ ઘરમાં સોનાને ઘૂઘરે રમી છું. આ અમરતને નાણાંની ભૂખ નથી....’

‘ત્યારે શેની ભૂખ છે ? તમે પેટછૂટી વાત કરો તો ખબર પડે ને !’

નંદન પણ આ સોદાગર નણંદના લાંબા સહવાસ પછી સોદાગરી શબ્દપ્રયોગો શીખી ગઈ હતી.