પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
વ્યાજનો વારસ
 

 કટકા કરી નાખવા માટે ગોતાગોત કરી રહ્યાં છે, પણ લાખિયારે એને કણબણનો વેશ પહેરાવીને જસપરમાં જ ક્યાંક છાને ખૂણે છુપાવી દીધી છે. એક બાતમી એવી પણ હતી કે એમી તો ઢેઢડાઓની નાતમાં ભળી ગઈ છે અને દૂરદૂરના ગામમાં શેરીઓ વાળે છે.

લાખિયાર તો અવસ્થાને આરે પહોંચી જ ગયો હતો અને એના રહેણાક ઘરમાંથી ચતરભજે એને કાઢ્યા પછી વધારે ઝડપથી શરીર ખખડી ગયું. છતાં આભાશાના ઘર સાથે પેઢી જૂનો નાતો એ છેક છોડી શક્યો ન હતો અને ક્યારેક ક્યારેક લથડિયાં ખાતો એ ડેલીએ આવી ચડતો ત્યારે સુલેખા સિફતપૂર્વક એમી અને ગુલુના સમાચાર એને પૂછતી – પ્રશ્નો ફેરવી ફેરવીને, જુદી જુદી યુક્તિઓથી પૂછતી, પણ સાગરપેટો લાખિયાર પ્રશ્નોને રોળીટાળી નાખતો અને કોઈને જરા સરખું પણ પેટ આપતો નહિ. એમ કરીને સુલેખાની ઇંતેજારી અને કુતૂહલને અનેકગણાં વધારી મૂકવાનું જ એ કામ કરતો.

વહીવટ હાથમાં આવ્યા પછી સુલેખાને લાગ્યું કે મીંગોળા ગામ પ્રત્યે આ કુટુંબનું મહાન ઋણ છે અને એ ઋણ અદા કર્યા સિવાય છૂટકો જ નથી. પેઢીએથી એકએક ચોપડા સુલેખાએ ઘેરે મંગાવવા માંડ્યા અને દરેક કળના ખાતા તપાસી તપાસીને ઉદારતાથી એની પતાવટો કરવા માંડી. પીલાયેલા દેણદારો આ ‘નાની શેઠાણી’ના વહીવટની બે મોઢે તારીફ કરવા લાગ્યા. અદેખા જીવણશાથી આ જોયું ન જતાં એણે સુલેખાના વહીવટને ‘રાણીનું રાજ’ કહીને વગોવવા માંડ્યો, છતાં સુલેખા તો વગોવણીની અવગણના કરીને આ આપદ્‌ધર્મના ઉપાધિયોગને સમાધિયોગ બનાવી રહી હતી.

તેથી જ તો, નંદનને ‘આશા છે’ એમ સાંભળીને સુલેખા આ ઉપાધિયોગમાંથી મુક્તિ મળ્યાનો આનંદ અનુભવી રહી.

અમરતે પાસો તો આબાદ નાખ્યો હતો. નંદનને મહિના હોવાની જાહેરાતે સહુની જીભ સીવી લીધી હતી. હવે કોઈને કશું