પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રસ-ભોગી અને અર્થ–ભોગી
૨૧૭
 

 કહેવાપણું રહેતું નહોતું. આભાશાના મૃત્યુ વેળા નંદન સગર્ભા હોવાની સચ્ચાઈ અંગે અલબત્ત કોઈ માણસ બીતાં બીતાં શંકા ઉઠાવતાં, પણ એ મનની શંકા મનમાં જ રહી જતી અને એ વ્યક્ત કરવાની કોઈની હિંમત ન ચાલતી. અમરતનો રુઆબ અને અનાડી૫ણાં એવાં તો ભયપ્રેરક હતાં કે આવી જાતની આશંકા કરતાં પણ લોક ધ્રૂજતા.

લોકો હજી તો આ એક આશ્ચર્યમાંથી પૂરેપૂરા મુક્ત થાય એ પહેલાં તો અમરતે બીજું આશ્ચર્ય તૈયાર જ રાખ્યું હતું. વર્ષો વીતી ગયાં પછી આ ઘરમાં બીજી વખત સાકર વહેંચાણી. નંદનથી નાની બહેન ચંપા વેરે અમરતના દલુનું વેવિશાળ થયું એની જાહેરાત સાકરલહાણીથી થઈ. અને લગન પણ દિવાળી પછી તરત જ લેવાનું નક્કી થયું.

આ સમાચાર સાંભળીને પણ સુલેખા હૃદયપૂર્વક રાજી થઈ. એના દરિયાવ દિલમાં કશી શકા–કુશંકા થવાની શક્યતા જ નહોતી. એ તો હમણાં હમણાં શિલ્પ અને ચિત્રકળાના અધ્યયનમાં મસ્ત રહેવા લાગી હતી. ઉગ્ર ઇન્દ્રિયદમન દ્વારા મનોવિકારોના કરેલા ઉર્ધ્વીકરણનો મસ્ત નિજાનંદ એ અનુભવી રહી હતી.

અનેક વખત રિખવનાં સ્મરણો સુલેખાને સતાવ્યા કરતાં. એમાંય લગ્ન પૂર્વેનો કેસરીયાજી પરનો એ મિલન–પ્રસંગ તો સુલેખાની સ્મૃતિમાંથી કેમે કર્યો ખસતો નહોતો. ઓછામાં પૂરું હમણાં લાખિયાર વાળા મકાનની પછવાડેના ઉજ્જડ ખરાબામાં કેસૂડાનું એક ઝુંડ ઊગી નીકળ્યું હતું તે બારીમાંથી સુલેખા જોતી કે તરત એને કેસરીયાજી પરથી ખેરગામની દિશામાં જોયેલાં કેસુડાનાં વન યાદ આવી જતાં અને રિખવની મૂર્તિ નજર સામે આવીને ખડી થતી. તરત સુલેખાને એ ખરાબામાં ઉગેલાં કેસુડાનાં ઝુંડ ઉપર ચીડ ચડતી અને અનાયાસે જ, બાળપણમાં પિતૃગૃહે પઢેલ પ્રાચીન ગૂર્જર કાવ્યની પંક્તિઓ ઓઠે આવી જતી :