પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
વ્યાજનો વારસ
 



કેસુ કલિ અતિ વાંકુડી,
આંકુડી મયણચી જાણી :
વિરહિણીનાં ઈણ કાલિજ,
કાલિજ કાઢ ઈ તાણિ.

સુલેખા કાવ્યાનંદની પરાકોટિ અનુભવતાં ડોલી ઊઠતી. રિખવની મનોમૂર્તિ વધારે તાદૃશ બનતી. વિચારતી : આ એ જ પ્રાચીન ગૂર્જર કાવ્ય, જેમાંથી રિખવે ‘સકલંક મયંક’ની ઉપમા ઉપાડી હતી. શી એની મર્મગ્રાહક રસિકતા ! શાસ્ત્રી માધવાનંદજી પાસે બેસીને, કરેલો કાવ્યસસૃષ્ટિનો ૨સાનુભવ ! એમાં માત્ર વિલાસિતાએ મળીને એની રસિકતાને વિકૃત ન કરી હતી તો કેવું સારું થાત ! સૌન્દર્યનો એ આજીવન ઉપાસક એક સ્થૂળ સૌન્દર્ય પાછળ ઘેલો બન્યો અને એ ઘેલછાની કિંમત પોતાની જિંદગી વડે ચૂકવી ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’ની સાધના આડે આવા પાર્થિવ પ્રલોભને વિઘ્ન ઊભાં ન કર્યા હોત તો ! રસનો ભોક્તા રસાનુભવ કરતો કરતો જ ખતમ થયો. રસનો ભોગી ગયો અને પાછળ આ સહુ અર્થનાં ભોગી રહ્યાં – અર્થ વહેંચણી માટે અંદરોઅંદર ઝઘડતા અને એકબીજાનાં કાસળ કાઢતાં. વિફળ જીવનનાં એ કલેવરોથી બીજું થઈ પણ શું શકે ?

આવી આવી સ્મૃતિઓ વચ્ચે રિખવ માટે પોતે યોજેલી પંક્તિ ‘કાંતિ લાવણ્ય લેખામાધુર્ય સુન્દરમ્‌’નું સુલેખાના માનસમાં રટણ ચાલ્યા કરતું; અને એ સામગ્રીને મૂર્ત કરતાં પેલાં ભોગાસનોનાં શિલ્પ પણ અનાયાસે જ યાદ આવી જતાં. બાળપણમાં પિતાશ્રી સાથે પરિભ્રમણમાં નીરખેલાં એલોરાનાં સુરમંદિરો, મારવાડમાં રાણકપુરનાં મંદિરો, આબુ ઉપર અચલેશ્વર નજીકની મૂર્તિઓ, તારંગા પરનાં અજીતનાથના મંદિરમાંનાં ભોગાસનના શિલ્પ વગેરે શું સૂચવે છે ? ગભારાની બહારના ‘નરથર’ ઉપર રજૂ થતાં ધર્મ અર્થ, કામ અને મોક્ષના એ સંકેતશિલ્પો :