પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રસ–ભોગી અને અર્થ-ભોગી
૨૧૯
 

 સહસ્ત્ર ફણાએ પૃથ્વીનો ભાર વહોરી રહેલ આદિશેષ; એની ઉપર પ્રાચીન યુગના સંગ્રામો અને યુદ્ધખેલનો, એની ઉપરનાં કામશાસ્ત્રોક્ત આસનો, નાટારંભો અને વિલાસચેષ્ટાઓ, અને એ સહુની ટોચે મહર્ષિઓ, સાધકો, અર્હંતો અને સિદ્ધોની પ્રતિમાઓ – આ બધી શિલ્પસમૃદ્ધિ શું સૂચવે છે ? જીવનના ચારેય પ્રમુખ પુરુષાર્થોની અભિવંદના. સમસ્ત લોકવૃત્તની ઘટનાઓનું બહુમાન. માનવજીવનનો એક પણ પુરુષાર્થ બીજા પુરુષાર્થ કરતાં ઊતરતો કે હલકો નથી. કામ પણ કબૂલ કરે છે કે હું ધર્મથી ‘અવિરુદ્ધ’ છું .धर्माऽविरुद्ध: कामोॶहम् કહીને ગીતાના ગાનારાએ એનું બહુમાન કર્યું. તો પછી રિખવનો પગ ક્યાં લપસ્યો ? કામુકતામાં ? કે વિલાસમાં ?

એથી આગળ વિચાર કરતાં સુલેખા કંપી ઊઠતી. અને ફરી પોતાના વિચારપ્રવાહને કલા અને રસાસ્વાદ ઉપર વાળવા મથતી, પણ એમાં એ એકાગ્ર નહોતી થઈ શકતી. રિખવની મનોમૂર્તિ એની નજર સામેથી ખસતી જ નહોતી. એ કયા રિખવની યાદ સતાવ્યા કરે છે ? વિલાસી અને દારૂડિયા રિખવની ? ના, ના, એ યાદ તો ઘૃણાજનક છે. આ તો એ સુંદર સવારે ચોરની જેમ ઓચિંતા આવી ચડીને મારી આંખો દાબી, પરુરવાની એ અપ્રતિમ ઉક્તિઓ ઉચ્ચારનારા અને પછી રસ અને યોગની ચર્ચાઓ કરનાર રિખવની યાદ છે. બિચારાને રસયોગી બનવું હતું. પણ એક હાડચામના દેહે વચ્ચે આવીને એની સાધનામાં અંતરાયો ઊભા કર્યા કુસંગત–પ્રેરિત સ્વચ્છંદે એ યોગીને તપોભ્રષ્ટ બનાવ્યો. મારા માનસમાં તો એ રસમૂર્તિ ‘પુરુરવા’ની ચિરંજીવી છાપ રહી છે, નહિ કે પ્રથમ મિલને જ ‘પ્રિયા મુખોચ્છ્‌શ્વાસ વિકમ્પિત મધુ’ કહીને મદ્યપાનની પ્યાલીઓ ખણખણાવતા વિલાસમૂર્તિ રિખવની. પહેલો રિખવ એ ખરેખરા અર્થમાં રસભોગી હતો. બીજો, સામાન્ય માટીની મૂર્તિ હતો. પહેલો ઊર્ધ્વગમન કરી રહ્યો હતો, ત્યારે બીજો અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો હતો.