પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્રણ તાંસળી
૨૨૩
 

 અને કોઠીઓ ઊંધી વાળેલી પડી હતી. બીજે ખૂણે પડેલા કાળામેશ જંગી બકડિયાં ટોળું વળીને સૂતેલાં રીંછડાંનો ખ્યાલ આપતાં હતાં. પરચૂરણ અને નાનાં ઠામવાસણનો તો પાર નહોતો. થાળી, તાસક, તાંસળી, પ્યાલા, કળશા, કમંડળ, કથરોટ, ઝારી, હલવાઈ, ચમચા, ડોયા વગેરેનો તો જાણે કે ડુંગર ખડકાયો હતો.

હળવે પગલે અમરત વાસણોના એ ડુંગર તરફ વળી. ડાબા હાથમાંના દીવા વડે જમણી બાજુ અમરતનો લાંબો લાંબો પડછાયો પડતો હતો અને આખા વાસણ–સમૂહને આવરી લેતો હતો. એ પડછાયો જોઈને અમરતે વિચાર્યું કે આ બધું મારી માલિકીનું થઈ જાય તો કેવું સારું !... હવે તો બધું મારા દલુના જ નસીબનું છે ને ! નંદુડીનું તો બધુંય બે ઘડીનું નાટક છે, એને તો છાકરોય હું કોક પાસેથી ભીખીને દઈશ ત્યારે થાશે ને ? એમ મળ્યે ઘીએ ચૂરમું થોડું થવાનું હતું ? આ તો નાટક માંડ્યું છે તે હવે પૂરું કર્યે જે છૂટકો છે. બાકી ગામ તો ગાલાવેલું જ કેવાય. એની આંખ આંજવી એમાં કઈ મોટી મોથ મારવાની હતી ?…

આટલું વિચારીને અમરતે પોતાના પડછાયા સામું જોયું અને વિચિત્ર રીતે હસી પડી. જાણે કે પડછાયાની અમરતને ઉદ્દેશીને એ કહેતી ન હોય  : ‘અલી અમરતડી, તારાં સંધાય કરતૂક હું જાણું છું હો !’

આ અવાવરું ઢગલામાં એક્કેએક વાસણથી અમરતનાં આંગળાં પરિચિત હતાં. જિંદગીનો પા ભાગ જેણે ભાઈને ઘેરે વિતાવ્યો હોય એનાથી શું અજાણ્યું રહ્યું હોય ? જાદુગરના જેટલી આસાનીથી એણે તાંસળીઓનો ઢગલો ખોળી કાઢ્યો.

અમરત ચોરની જેમ વાસણોને અડતી હતી અને સહેજ પણ ખખડાટ થાય તો કંપી ઊઠતી હતી.

સારી વાર સુધી પૂરતો વિચાર અને ગણતરી કરીને એ નાનામોટા કદની ત્રણ તાંસળીઓ અલગ તારવી કાઢી અને