પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
વ્યાજનો વારસ
 

 મીંદડીની જેમ પગલાં ભરતી ભરતી એ તાંસળીઓ ઓરડાની બહાર લાવી.

નંદનને બોલાવીને અમરતે ચારમાંની સૌથી નાના કદની તાંસળી આપતાં કહ્યું :

‘આને તારે પેટે બાંધી દે... બે મહિના પછી આ બીજી બાંધજે... ને પછી આ ત્રીજી. મહિના તો આખા ને પાખા હવે છ–સાત કાઢવાના છે ને ? પછી તારો બેડો પાર થઈ ગયો સમજી લે !’

‘પણ પછી ?...’

‘લે ! પછી પછી પછવાડું: આ તો ડાહ્યલી ભારે. હું કહું એમ કરતી નથી ને...’ અમરતે આંખ કાઢી.

‘ઠીક લ્યો ! હવે નહિ બોલું; હાંઉં ?’

‘હાંઉં નહિ તો શું ? આવાં કામ કરવાં કાંઈ સહેલાં પડ્યાં છે ? લોઢાની છાતી જોઈએ લોઢાની. મારું મન જાણે છે, મેં કેમ આ કામ માથે લીધું છે એ. ને એમાં વળી તું ‘પછી’ ‘પછી’ કરીને મારો સગડ નથી મેલતી. આ શું ખાવાનો લાડવો છે. તે ચપ કરતોકને ખાઈ જઈએ ?’

‘ના, બાપુ, ના.’

‘તો ઠીક; બધુંય હજી સમેસૂતર પાર ઉતારતાં તો આ અમરતની આંખો ઠેઠ ઓડે પૂગશે.’

‘તમે જબરાં છો, બહેન !’

‘જબરાં થયા વિના આવાં કામ માથે લેતાં હોઈશું ?’ અમરતે અભિમાનથી કહ્યું : ‘તું એમ ન સમજતી કે તારી બેન ચંપલીને મેં સાવ મફતમાં પડાવી લીધી છે !’

‘એમ તે હોય, બહેન ! તમે તો મને નવો અવતાર અપાવ્યો છે. જંદગાની સાવ હારી બેઠી’તી, એમાંથી તમે એ જીતાડી દીધી.’

‘એમ મોઢાના મલાવા ઉતારીને ઠાલું મને રૂડું મનવ મા. આ અમરત રૂડું મનાવ્યે રીઝી જાય એવી ગાલાવેલી નથી હોં !’