પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કૂતરાં ભસ્યાં
૨૨૯
 


રોકાણ લંબાઈ પણ જતી. છતાં એની શ્રદ્ધા અને નિશ્ચયબળ લગીરે નરમ પડતાં નહોતાં.

એને ગામ કહેવા કરતાં ટીંબો જ ગણવો વાજબી કહેવાય. જોકે, એ વસાહત તો ટીંબા કરતાંય કૂબાઓનો એક ઘૂમલો જ હતો.

એ વસાહતની આસપાસની ધરતી નિર્જર હતી. વટેમાર્ગુઓ પણ આ કૂબાઓનો સગડ છાંડીને બાજુના કેડાઓ ઉપર તરી જતા. ધોળે દિવસે પણ મુસાફરો અહીંથી હેમખેમ પસાર થઈ શકતા નહિ, એના સગડ ઉપર વેંત વેંત લાંબી જીભો મોંની બહાર લબડાવતાં, ફાડી ખાય એવા ડાઘિયા કૂતરાં પડ્યાં રહેતાં. અને એ કૂતરાંથીય વધારે ખુન્નસ અને ઝેરવાળાં માણસો અહીં વસે છે એમ કહેવાતું. કોઈ કોઈ વાર ખાખી વેશધારી પોલીસના માણસો અહીં આવી ચડતા અને નાકાબંધી ઉપર ચોકી કરતા. રાક્ષસ જેવાં કૂતરા ડાંઉ ડાંઉ કરીને ભસી ઊઠતાં. એમના અવાજો સાંભળીને કૂબાઓના ગુનેગાર આદમીઓ આઘાપાછા થઈ જતા. અને એમની ભારાડી સ્ત્રીઓ જોખમી મુદ્દામાલ સગેવગે કરવા માંડતી. પોલીસના માણસો આવીને આરોપીઓની ખોજ ચલાવતા; આરોપીઓ ન મળતાં ખોજના માર્યા કુબેકૂબો પીંખી નાખતા; અને એમાંથી કશું હાથ ન લાગે ત્યારે બધી ખીજ કૂબામાં સાવ ઉઘાડે ડીલે ફરતી બાયડીઓ ઉપર ઉતારતા અને એમની ગૌર, માંસલ પીઠ ઉપર ફડોફડ સોટીઓ સબોડવા અને એમની લાલચટાક ચામડી ઉપર સોટીમારની ભરોડોના લીલા કાચ ચાંભા ઉપસાવીને ચાલ્યા જતા.

ફરી સગડનાં કૂતરાં આ ખાખી રંગધારી આદમીઓને ડાંઉ ડાંઉ કરીને વિદાય આપતાં અને એ સબ–સલામતની ‘સાયરન’ સાંભળીને આઘાપાછા થઈ ગયેલા આદમીઓ કૂબાઓમાં પાછા આવી પહોંચતા. ફરી કૂતરાં પૂર્વવત્‌ શાંત બની, ફરજ બજાવી લીધાનો સંતોષ અનુભવતાં મોંમાંથી જીભ બહાર કાઢીને હાંફતાં પડ્યાં રહેતાં.