પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
વ્યાજનો વારસ
 


આવા ભયાનક વિસ્તારને શેઢે પણ એક સાંજે સૂરજ આથમી ગયા કડે એક ઉજળિયાત વરણની સ્ત્રી આવી ચડી. એની સાથે આ વસાહતથી પરિચિત એક ભોમિયો હતો. એમને જોઈને પહેરેગીર કૂતરાં ભસ્યાં, પણ પેલી સ્ત્રીએ લેશમાત્ર થડકાર અનુભવ્યો નહિ. એનાં પગલાં લગીરે ધીમાં પડ્યાં નહિ. એની આત્મવિશ્વાસભરી એકધારી વેગીલી ચાલમાં સહેજ પણ વિક્ષેપ પડ્યો નહિ. પ્રૌઢત્વની રેખાઓથી અંકિત થયેલ એના ગૌર મોં ઉપર જે દૃઢ નિશ્ચયબળ હતું એ જરાય નરમ પડ્યું નહિ.

કૂબાઓની આસપાસ કૂક...કૂક કરીને ચારો કરી રહેલા સંખ્યાબંધ કૂકડાઓ પણ આ નવા આગંતુકને જોઈને ભડકી ઊઠ્યા હોય એમ કૂબાઓમાં દોડી ગયા.

ભોમિયો જાણે કે આ વાતાવરણથી સારી પેઠે પરિચિત હોય એમ પેલી સ્ત્રીને સીધો એક કૂબામાં દોરી ગયો.

આદમીઓ આ આગંતુકની રાહ જોતા જ બેઠા હોય એમ લાગ્યું.

તરત કૂબામાં હરફર થવા માંડી. ઢાંકણું વાસેલ એક મોટો બધો ગોળ કરંડિયો આ સ્ત્રીની નજરમાંથી આઘો ખસેડાઈ ગયો — કદાચ એવી ગણતરીથી, કે એમાં પૂરેલ વસ્તુઓને જોઈને આ ઊજળિયાત મનેખ ભડકી ઊઠશે.

એક ફાટ્યા-તૂટ્યા મેલાઘાણ, અહીંતહીં લોહીના ડાઘડૂઘ વાળા સાડલાના પરદાની પાછળ સળવળાટ થયો, એક જાખી આદમી ઊઠી ઊઠીને બેત્રણ વાર એ પરદાની પાછળ ગયો અને બહાર આવ્યો.

બધી જ ક્રિયાઓ કોઈ પૂર્વનિયોજિત સંકેત મુજબ જ થતી હોય એટલી બધી સાહજિકતા એમાં દેખાતી હતી.

થોડી વારે અંદરથી એક સ્ત્રી હાથમાં બાળક લઈને આવી. આવનાર સ્ત્રી રંગરૂપે આકર્ષક હોવા છતાં અત્યારે એનો દેખાવ બિહામણો અને તેથી અણગમો ઉપજાવે એવો હતો. છતાં એના હાથમાંના બાળકનો દેખાવ તો અત્યંત સુકુમાર અને મીટ ખસેડવાનું