પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કૂતરાં ભસ્યાં
૨૩૧
 

 મન ન થાય એવો હતો. લાલ લાલ હિંગળોક જેવી બાળકની ચામડી ઉપરથી લાગતું હતું કે એનો જન્મ થયાને હજી માંડ પાંચસાત દિવસ થયા હશે.

એક ભાંગીતૂટી માંચી ઉપર બાળકને સુવડાવવામાં આવ્યું.

ઉજળિયાત ઓરતે ઝીણી નજરે નીરખીને બાળકને જોવા માંડ્યું. એની આંખ જોઈ, એનો અણસાર જોયો; એનો વાન જોયો, એની નમણાશ તપાસી; બાળકનાં હલનચલનને એણે ટીકીટીકીને અવલોક્યાં.

કૂબાના આદમીએ ઊભા થઈને પ્રવેશદ્વાર આડે પરદો નાખ્યો. ભોમિયાએ અર્ધી સંકેતમાં ને અર્ધી સ્પષ્ટ રીતે વાતો કરવા માંડી.

‘ઇન્કવાયરી’ અને ‘કોટેશન’ની વિધિ ચાલી. ‘ઑફર’ અને ‘કાઉન્ટર–ઑફર’ પણ થઈ ગઈ.

અને જીવતા જીવના કબાલાઓમાં પણ રકઝક ન થાય એવું તે બને ? રખેને કોઈ છેતરાઈ જાય તો !

સારી વારે રકઝક પણ પૂરી થઈ.

આગંતુકે રૂપિયા ગણી દીધા.

પત્યું. સોદો સમેટાયો. રોકડ સામે માલની હાથોહાથ સોંપણી થઈ. આડતિયા તરીકે કામ કરનાર ભોમિયાને પણ એની આડત ચૂકવીને રાજી કરવામાં આવ્યો. અને જાણે કે કશું બન્યું જ નહોતું એવું ભયંકર મૌન પથરાઈ રહ્યું.

ઘરનો આદમી ઊભો થઈને એક ખાલી કરંડિયો શોધી લાવ્યો અને એમાં બાળકને આસાનીથી ગોઠવી દીધું.

ફરી, આવ્યાં હતાં એ જ કેડીએ કેડીએ તેમણે ચાલવા માંડ્યું. આગળ ભોમિયો; એના ખભા ઉપર કરંડિયો અને પાછળ પાછળ ઉજળિયાત ઓરત.

આ અજાણી અને ‘ગેબી’ ગણાતી ધરતી ઉપર પોતે આવતી વેળા જે ગોઝારાં પગલાં પડ્યાં હતાં એને જાણે કે ભસવા મથતાં હોય એટલી ગણતરી ભરી ચાલે ડગ ભરતાં તેઓ આગળ વધતાં હતાં.