પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪
વ્યાજનો વારસ
 

 જિંદગી પૂરી કરવાનું થઈ ગયું. અમરતની સત્તા અને સાહ્યબી તો નંદન કરતાંય અદકી વધી ગઈ. ગઈ કાલ સુધી જે ‘દલિયા’ તરીકે ઓળખાતો એને હવે ‘દલુભાઈ’ સિવાય બીજે નામે કોઈ સંબોધતું નથી. અને ઘર તેમ જ પેઢીમાં હડધૂત થતો દલુ હવે તો ઊપડ્યો ઉપડતો નથી.

પુત્રજન્મના સમાચાર જાહેર કર્યા પછી અમરત તો થોડા દિવસમાં જસપર ખાતે પોતાનો નવો હોદ્દો સંભાળવા ચાલી ગઈ છે. પણ નંદનને તબિયત નરમ છે એમ કહીને હજી થોડા દિવસ પિયરમાં પડ્યા રહેવાની સૂચના અમરત આપતી ગઈ છે.

અલબત્ત, અમરતની આ આસમાની–સુલતાની અંગે ગામના કેટલાક શંકાશીલ માણસોએ શંકા ઉઠાવી, પણ એ શંકા અમરત સમક્ષ વ્યક્ત કરવાની એમનામાં તાકાત નહોતી.

‘માનો ન માનો દાળમા કાંઈક કાળું છે ખરું.’

‘પેઢીનો દલ્લો પચાવી પાડવાના ખેલ ખેલાયા લાગે છે.’

‘નહિતર, આભાશાને ઘેર ઘોડિયું બંધાવાની આશા જ નહોતી, ત્યારે જાતે જન્મારે ક્યાંથી...?…’

પણ અમરતની સમક્ષ તો લોકોએ અભિનંદન અને ખુશાલી જ વ્યક્ત કર્યાં.

‘બહુ રાજી થવા જેવું થયું, બહેન !’

‘ધરમ પરતાપે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું.’

‘નસીબ થોડાં કોઈએ વેચી ખાધાં છે ?’

‘સુખદુઃખના પણ દાયકા જ હોય છે. દુ:ખનો દાયકો ગયો તે હવે સુખનો દાયકો બેઠો.’

‘આવી દોમદોમ સાહ્યબીમાં શેર માટીની ખોટ હતી તે ભગવાને પૂરી કરી આપી.’

આવાં સઘળાં અભિનંદનો ભેગાં કરીને અમરત, રડતી આંખે એક જ ઉત્તર આપતી :