પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભોરિંગેભોરિંગના લબકારા
વ્યાજનો વારસ
 

 ‘બધું ય સાચું. પણ મારા મોટા ભાઈનાં પુણ્ય એટલાં ઓછાં કે આવું સુખ જોવા જીવતા ન રહ્યા, એના નસીબમાં દીકરાનું સુખ જોવું નહિ સરજાયું હોય.’

અમરતની આ ફરિયાદ માટે કોઈ કોઈ આશ્વાસન આપનારા પણ મળી રહેતા :

‘બહેન, એનું નામ જ પંચમકાળનાં એંધાણ. માણસ બધીય પાંતીનું સુખ તો ન જ પામે.’

બસ, ગામલોકોને મોંએથી અમરત આટલું જ બોલાવવા માગતી હતી.

માત્ર એક ચતરભજે ગામલોકોના સૂરમાં પોતાનો સૂર ન પુરાવ્યો. એ હમણાં હમણાં, અમરતના શબ્દોમાં, ‘આડો ફાટ્યો’ હતો. સુલેખાના વહીવટકાળ દરમિયાન એને પેઢીમાંથી પાણીચું મળતાં, બધો રોષ અમરત ઉપર ઉતારી રહ્યો હતો.

આજ દિવસ સુધી તો ચતરભજ અને અમરત બન્ને સમદુખિયાં જીવ હતાં. બન્ને જણાં પેઢીનો વારસો પચાવી પાડવા માટે સહિસારી રીતે તેમ જ વ્યક્તિગત રીતે આકાશ–પાતાળ એક કરી રહ્યાં હતાં. અને બન્નેને એમાં એકધારી નિષ્ફળતાઓ સાંપડતી રહી હતી. એને પરિણામે બન્નેનાં પારસ્પરિક હિતો અને સંબધોનો સમવેત વધારે ને વધારે ગાઢ બનતો ગયો હતો. પણ એક ભૂમિકા એવી આવી ઊભી કે જેમાં બંનેનાં હિતો વચ્ચે વિસંવાદ ઉત્પન્ન થયો. અર્થ–સાધનાની આજ સુધીની એકધારી, નિયમિત નિષ્ફળતા પછી અમરતને એમાં ઓચિંતી સફળતા સાંપડી, અમરતની આ સફળતાને ચતરભજ જીરવી ન શક્યો. કાં તો એ સફળતામાંથી પોતાનો હિસ્સો પડાવવો ને કાં તો પોતાના એક વખતના પ્રિય પાત્ર ઉપર વેર વાળવું એ નિશ્ચય કરીને ચતરભજ અમરત પાસે ગયો.

રાતે મોડું થયું હોવા છતાં અમરત પેઢીના કેટલાક ખાનગી