પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
વ્યાજનો વારસ
 

 ચોપડા તપાસી રહી હતી.

હમણાં હમણાં એના ગૌરવરણા ચહેરાએ ઝડપભેર પૌઢત્વ ધારણ કરવા માંડ્યું હતું. આંખોની નીચલી પાંપણોનો પ્રદેશ ઊંડો ગયો હતો અને ત્યાંથી શરૂ થઈને ઓઠના બન્ને બાજુના ખૂણાઓ સુધી ભરાઉ ગાલોમાં એકેકી સુંદર કરચલી વરતાવા માંડી હતી. અને પરિણામે, બન્ને ઓઠના ખૂણાઓની નીચે ઢાળકીઓ પડતી હતી. એને લીધે અમરતમાં ઠસ્સો વધારે દેખાતો હતો, અને એ ઠસ્સામાં હડપચીનો ઝૂલતો પ્રદેશ ઉમેરો કરતો હતો. એમાં પણ જ્યારે જ્યારે એ કશુક વાંચવા માટે નજર ઢાળીને બેઠી હોય ત્યારે તો ઉપરાઉપર ત્રણ કરચલીઓ પાડતી હડપચી અમરતના માની જોહુકમી અને મારકણા મિજાજની ત્રિવિધ વાણી ઉચ્ચારી રહેતી.

ઓરડામાં દાખલ થતી વેળા ચતરભજે એ હડપચીની ત્રિવિધ શેહ અનુભવી; પણ એથી એણે જરાય થડકો ન ખાધો. ઊલટાનું, મનમાં એ બોલ્યો : ‘જોયો જોયો તારો વટ હવે. બવ વાયડી થા મા; ભૂંડી લાગે છે. હું તેને સારીપટ ઓળખું છું. દીકરાને મન જે મામો હોય એ માને મન તો કડ્યનો રમાડેલ ભાઈ જ હોય. ઠાલો, મારા સામો મિજાજ કરવો મૂકી દે.’

ચતરભજે આટલું વિચાર્યા પછી પણ અમરતે ઊંચે ન જોયું ત્યારે ચતરભજે ખોંખારો ખાધો.

છેક યૌવનકાળનો આ ચિરપરિચિત સંકેત – અવાજ અત્યારે ઓચિન્તો કાને પડતાં, પહેલાં તો અમરત ચમકી. પણ તરત એને યાદ આવ્યું કે આજે મેં જ ચતરભજને અહીં બોલાવ્યો છે એટલે એ આવીને સામે ઊભો છે. એ સંકેત – અવાજ સાંભળીને આજે પણ અમરતનું હૈયું નાચી ઊઠ્યું. પણ આ ઉમ્મરે હવે એ હૈયાનો થનગનાટ મોઢા ઉપર વ્યક્ત કરવો ન શોભે એમ સમજીને એણે, હસવા માટે પ્રસારણ પામેલ ઓઠના ખૂણાઓને તરત સંકોચી લીધા.