પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦
વ્યાજનો વારસ
 

 એની સાથે બગાડવામાં હું લાભ નહિ કાઢું. નાહક એક દુશ્મન શા માટે ઊભો કરવો ?

અમરતનો બધો રોષ ઓસરી ગયો. ઊંચે ચઢી ગયેલાં ભવાં નીચે ઊતરી ગયાં. મોંની તંગ બનેલ કરચલીઓ આપમેળે જ ઢીલી પડી ગઈ અને એની જગ્યાએ વર્ષો પહેલાંની હસમુખી રેખાઓ હસી રહી. બોલી :

‘ચતુ, તું તો સોમાં સોંસરવો છે હોં ! તારા જેવો ભારાડી માણસ મેં હજી સુધી નથી જોયો !’

આ શબ્દ પ્રૌઢત્વને આરે પહોંચેલી અમરત નહોતી બોલતી પણ કૌમાર્ય વટાવીને યૌવનમાં પ્રથમ પગલાં માંડતી વેળા, ભારાડી જવાંમર્દ ને જોહુકમી કરી શકે, પોતાના નિરંકુશ મદ ઉપર માવતની ગરજ સારે એવા જોમભર્યા પૌરુષ માટે તલસતી અમરતના એ શબ્દો હતા.

આવી જાતના ભારાડી પૌરુષના તલસાટને કારણે જ અમરત પોતાના સીધાસાદા અને સુકુમાર પતિને પાટુ મારીને પિયર નાસી આવેલી. ચતરભજમાં એણે એ જવાંમર્દી જોઈ, જંગલિયત જોઈ, એવી જંગલિયત માટે તો અમરત આજ દિવસ સુધી ફાંફાં મારતી હતી. ચતરભજમાં એને પૂરેપૂરો જંગલી આદમી જડી રહ્યો; કહેવાતી શિષ્ટતા કે સભ્યતાનો એક પણ રંદો લાગ્યા વિનાના બરછટ બાવળિયા જેવો એક ઘા ને બે કટકા કરે એવો બાહોશ, મૃદુતા, ઋજુતા કે નાજુકપણાનું જેનામાં નામ ન મળે. આવા પૌરુષની પૂજા કરવામાં, એને પગે પડવામાં, એના પર જીવનની ન્યોછાવરી કરી જવામાં, અમરતે ધન્યતા અનુભવી હતી.

અત્યારે પણ ‘તારા જેવો ભારાડી માણસ મેં હજી સુધી નથી દીઠો’ એમ કહેતી વેળા અમરતની આંખો સમક્ષ એ જ ભરજુવાન વયનો ચતરભજ ઊભો હતો : પેઢીના સઘળા વાણોતરો પોતાની કરડાકી વડે ડારતો અને ડામતો.