પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
વ્યાજનો વારસ
 

કટકે કપાઈ રહ્યો.

'બહું સારું થયું ભાઈ, તમારે ઘેર ઘોડિયું બંધાણું...' જીવણશા ખુશાલી વ્યક્ત કરતા હતા.

'તમ જેવા મોટેરાઓના પુણ્યે ને આશીર્વાદે...' આભાશાએ વિવેકથી જવાબ વાળ્યો.

આભાશાનું ગરવાપણું જોઈનેય જીવણશાને ક્ષોભ થયો. તેમનું ડંખતું અંતર બોલી ગયું : 'બાકી તો ધંધો આપણો એક જ જાતનો રિયો, એમાં વેપારને અંગે કોક વાર બે કડવાં-મીઠાં વેણ બોલાઈ પણ જાય.'

'એ તો એમ જ ચાલે ભાઈ....'

'...કોઈ દી એકબીજાનાં મનદુઃખ પણ થઈ ગયાં હોય...'

'સંસાર છે !...' આભાશા વધારે ને વધારે નમ્ર બનતા જતા હતા.

'હવે સમજ્યા, મારા ભાઈ ! એટલે જ, હું તો વધામણી સાંભળીને ધોડતો હરખ કરવા આવી પૂગ્યો.'

'તમ મોટેરાંની એટલી મોટપ છે...'

'મેં મનમાં કીધું, જૂનાં વેર કયા ભવ સારુ સંઘરી રાખવાં છે ? ભેગું શું બાંધી જાવું છે ?...' જીવણશા વૈરાગ્યશતક ઉચ્ચારી રહ્યા હતા.

'ભાઈ તમે તો ધરમમાં સમજુ છો...' આભાશા મોંએ ભાર રાખીને, વિવેક દર્શાવ્યે જતા હતા.

છેવટે જ્યારે જીવાણશા 'ઠીક લ્યો, ત્યારે બોલ્યું-ચાલ્યું માફ કરજો, હું તમને એકસો આઠ વાર ખમાવું છું.' કહીને ઉભા થઈ બહાર નીકળતા હતા ત્યારે તો અમરત ઝીણી આંખ કરીને જીવણશાનું હરેક હલનચલન અવલોકી રહી હતી : કાળમુખો જીવણો ઘરમાં અડદના બાકડા તો નથી વેરતો જાતો ને ? ઘરના બારસાખ ઉપર ક્યાંક મંતરેલા દોરાધાગા તો નથી બાંધી જતો ને ? એ દહેશત