પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬
વ્યાજનો વારસ
 


કાંઈક જવાબ આપી શકે. એક લાંબો શ્વાસ હેઠો મૂકીને એણે કહ્યું :

‘હા, બાપુ, હા, હું આંધળો નથી કે તમારા હાથમાં ભાલા જેવી અણિયાળી ગુપ્તી છે, એ સાવ ભાળી ન શકું. તમારો ને આ ગુપ્તીનો નાતો આજકાલનો નવોસવો હશે. મારો ને એનો નાતો તો કડ્યના રમાડેલ ભાઈ જેવો ગણાય. હું સાવ ઘૂડપંખ નથી કે ગુપ્તી જેવી ગુપ્તીને ભાળી ન શકું.

‘આ ગુપ્તી તારું કાળજું વીંધી નાખશે.’

‘ખોટ્ટી વાત ! સાવ ખોટ્ટી વાત !’ ચતરભજે અજબ બેતમાંથી ‘ટી’ ઉપર ભાર મૂકી મૂકીને કહ્યું.

‘કાળજું વીંધાઈ જાતાં વાર નહિ લાગે હોં !’ અમરતે ધીમે પગલે આગળ વધતાં ધમકી આપી.

‘ગાંડાં થાવ મા, ગાંડાં ! મારાં ને તમારાં કાળજા આ ભવમાં કોઈ દી નહિ વીંધાય.’

‘કારણ ?’

‘કારણ કાં ભૂલી જાવ તમે ? મોટા ભાઈ સારુ તોલો અફીણ વાપરવા ટાણે મેં નોંતું કીધું કે, આવાં કામ કરવા સારુ તો મારા જેવા લોઢાનાં કાળજાં જોઈએ અને તમારે પણ લોઢાનાં જ કાળજા છે એમ તમારી જીભે જ તમે કબૂલ કર્યું હતું, હવે તમે જ કહો કે આપણાં બેયનાં લોઢાનાં કાળાજાં પાસે આવી સૂયા જેવી ગુપ્તીનું શું ગજું ?’

ચતરભજ જેમ જેમ ઉશ્કારાતો જતો હતો તેમ તેમ અમરતનો ધૂંધવાટ વધતો જતો હતો.

‘આ ગુપ્તી તારાં આંતરડાં પીંખી કાઢશે.’

આ વખતે તો ચતરભજ બેહદ હસ્યો અને બોલ્યો :

‘બાપુ, મોઢેથી જ બોલીને ઠાલાં શું કામ હિંસા કરમની રાવી બાંધો છો ? અસૂર–સવારે ગોચરીએ નીકળતા વિમલસૂરી આવું આવું સાંભળી જાશે તો આ ઘરનો ઉંબરો છોડી જાશે.’