પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮
વ્યાજનો વારસ
 

તે વળી કોણ ?

અને એ વાણોતરે પોતે જ ઊઠીને મને પાઠ નથી ભણવ્યા કે આવાં કામાં કરવા સારુ તો લોઢાનાં કાળજાં જોઈએ !

બીજો કશોય વિચાર કર્યા વિના, માત્ર કર્મયોગમાં જ માનનારી અમરતે આંખો ચમકાવીને ચતરભજની છાતી સામે ગુપ્તી ઉગામી.

પણ… અજબ છે આ ચતરભજ | છાતી સામે ઉગામાયેલી તગતગતી ગુપ્તી જોઈને લગીરે થડકો ખાવો તો દૂર રહ્યો, પણ આ તો અત્યાર સુધીમાં નહોતો હસ્યો એટલા મોટા અવાજે હસી પડ્યો : અને ભય, ભયાનકતા કે ખૂનરેજીનું વાતાવરણ સમૂળું ફૂંક મારીને જાણે કે ઓરડામાંથી ઉડાડી મૂક્યું. અને એની જગ્યાએ બેવડ વળી વળી ને થતી હસાહસીથી ઓરડાની હવાને ભરી દીધી.

આ અનુભવથી અમરત તો ડઘાઈ જ ગઈ. એનાં જોમ અને જોશ ઓસરી ગયાં. ગુપ્તીની મૂઠ ઉપર ચપોચપ ભીડેલી તંગ મુઠ્ઠીનાં આંગળાં પોચા ગાભા જેવાં થઈ ગયાં. એના જોરદાર કાંડામાં જાણે કે ખાલી ચડી ગઈ હોય એમ એ કામ કરતું અટકી ગયું.

માંડમાંડ હસવું ખાળીને ચતરભજ બોલી શક્યો.

‘ઓયવોય ! સાવ આવાં હૈયાંકૂટાં નીકળશો એમ મેં નહોતું ધાર્યું … એ… હે... હે ! ભાઈના ઘરમાં આવાં જ અંધેરકારભારાં કરજો ?’

‘હું એમ બકું છું કે તમે આ જે હથિયાર મને મારવા આવ્યાં છો એ હથિયારમાં ખેતરની ખરપી જેટલુંય જોર નથી; ચૂલામાં ઓબાર ભરવાના ચીપિયા કરતાંય આ તો નપાવટ છે. અરે, આંખમાંથી પરવાળાં ખેંચવાની ચીપટીય આ તમારી ગુપ્તી કરતાં વધારે પાણીદાર હોય...’

‘હેં !…’