પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦
વ્યાજનો વારસ
 


‘એ... મ ?...’ અમરતના જવાબમાં હજીય મરડ હતો.

‘હા, બાપુ, હા. એમ નહિ તો કેમ ? મારે તો આગળપાછળનો બધોય વિચાર કરવો પડે ને ? એ વિચાર ન કરતો હોત તો તો આવાં માણસ – મારા કુટુંબમાં મારા જેવાનો તો કેદુનો ઘડોલાડવો થઈ ગયો હોત. મેં તો માંડી જ રાખ્યું’તું કે કોક દી આ ગુપ્તી મારી છાતી સામે જ મંડાશે. સારું થ્યું ને, મેં જ એને દસતે દસતે ટીપીને ભાંગેલ ભંગાર જેવી કરી નાખી ! તમારે હાથે એક જીવહિંસા થાતી રહી ગઈ. પણ એનું પુણ્ય મારે ખાતે ચડશે હોં !’

અમરત એવી તો છોભીલી પડી ગઈ કે હવે એક અક્ષર સુધ્ધાં ઉચ્ચારવાના એને હોશ ન રહ્યા. એના મોં ઉપરનું સઘળું મારકણું તેજ ઊડી ગયું.

‘ઠાલાં, ! ભોંઠાં પડો મા હવે, તમે ભોંઠાં પડો એમાં મને જ શરમ જેવું થાય.’ આટલું કહીને ચતરભજે પોતાના લાંબા અંગરખાની ઉપરના એક છૂપા ખિસ્સામાં હાથ નાખ્યો અને થોડી વાર પહેલાં સીસમની લાકડીમાંથી ચમકેલ વિદ્યુલ્લાતાના શિરોટનેય ઝાંખો પાડી દેતી અસાધારણ ચમકવાળી ગુપ્તી ખેંચી કાઢીને બોલ્યો :

‘લ્યો, સાચી ગુપ્તી !’

અમરત એક ડગલું પાછળ હઠી ગઈ.

‘બીશો મા. જરાય ગભરાવ મા. તમને મારવા સારુ આ બહાર નથી કાઢી. મારે અસ્ત્રીહત્યા નથી વહોરવી. તિર્યંચયોનિથી હું બીઉં છું. આ તો તમને મદદ કરવા કાઢી છે. તમે ભોંઠાં પડો એ મારાથી ન ખમાય...’

સાચી ગુપ્તીના તેજ સામે અમરતનાં તેજ ઓસરતાં લાગ્યાં.

‘લ્યો, આ ગુપ્તી, ને વીંધી નાખો મારું કાળજું. આટલાં વરસ તમે આંખથી વીંધતાં આવ્યાં છો. આજે સાચેસાચ વીંધી નાખો એટલે હું ધન્ય થાઉં......’

ચતરભજે પરાણે અમરતના હાથમાં પોતાની ગુપ્તી મૂકી.