પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪
વ્યાજનો વારસ
 

 ડુબાડીને પથ્થર તરાવવા જેવી કૌતકની વાત થઈ. એવાં કૌતક આ કળજગમાં થોડાં હાલે, બાપુ ?’

‘પણ હવે તો એ કૌતક પૂરું કર્યા વિના છૂટકો જ નથી ચતુ ! હવે તો હું એમાં અર્ધે આવીને ઊભી છું. પાછું જવાય એમ પણ નથી.’

‘પાછું જવાય એમ ન હોય તો આગળ વધો ! આગે આગે ગોરખ જાગશે.’

‘તારી મદદ વિના આગળ પણ જવાય એમ નથી.’

‘મેં તો બહુ દિવસ મદદ કરી, હવે તો થાકલા ખાવા દિયો, બાપુ !’

‘એક કામમાં મદદ કરી દે. પછી જિંદગી આખી થાકલા જ છે તને... સમજ્યો ? આ એક વાર મદદ કરી છે, તો જિંદગી આખીનું તને જડી રિયે...’

અમરતે લાલચ આપી પણ ચતરભજ એમ ઓછે લાકડે બળે એવો નહોતો. એની નેમ, અમરતે મૂકેલી દરખાસ્ત કરતાંય ઊંડી હતી. બોલ્યો :

‘મારે તો હવે જીવવું કેટલું ને જંજાળ કેટલી ! મને હવે મારી ચિંતા નથી, મારી પછવાડેની ચિંતા છે.’

‘પછવાડેની તારે ચિંતા કરવી પડે એમ છે જ ક્યાં ? તારો ઓધિયો તનેય વેચીને દાળિયા કરી આવે એવો હોશિયાર છે. એના જેવો ખેપાની છોકરો મેં નથી દીઠો.’

‘ખેપાની નહિ પણ દી-ઉઠેલ ને ઓટીવાળેલ કહો !’

‘દી-ઉઠેલ છોકરાં તો સારાં. સાવ પોપાબાઈ જેવા જણ્યાં કરતાં ઓટીવાળ પણ સાત થોકે સારાં. જો દલુ સાવ બાઈમાલી જેવો જ રહી ગયો !’

‘ને ઓધિયો, રિખવ શેઠ ભેગો ફરીફરીને દારૂડિયો થઈ ગયો ! રિખવ શેઠ પંડે તો છૂટ્યા, પણ મારા ઘરમાં સાલ ઘાલતા ગયા... ઓધિયો લેનસર નહિ ચડે ત્યાં સુધી હું થાકલા નહિ ખાઈ શકું.’