પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ફૂલ ડૂબ્યું : પથ્થર તર્યો
૨૫૫
 

 તમારે આ રામાયણમાં મારી, મદદ જોઈતી હોય તો...’

‘તો શું ?...’

‘તો, બીજું કાંઈ નહિ; મારે તો હવે કાંઈ અબળખાં બાકી નથી રહી. ઓધિયાને તમારે લેનસર ચડાવવો પડશે.’

‘કેવી રીતે ?’

‘એમાં રીત વળી શું હોય ! મારા ગાદીતકિયા ને કૂંચીકિત્તો ઓધિયાને જડે. બસ. બીજું મારે કાંઈ ન જોઈએ.’

ચત૨ભજનો આ દાવ અમરત પારખી ગઈ ખરી. ઓધિયાને પેઢીના મુનીમપદનો વારસ બનાવવાની ચતરભજની માગણીમાં ખરે ખરી મુત્સદ્દીગીરી હતી એ પણ અમરત જાણી ગઈ. પણ અત્યારે ચતરભજ પાસેથી પોતે જે સહકાર લેવા ઇચ્છતી હતી એ સહકાર એટલો તો અગત્યનો અને અનિવાર્ય હતો કે મુનીમ અત્યારે ગમે તે માગણી મૂકે તો ૫ણ એ સ્વીકાર્યા વિના છૂટકો જ નહોતો. એ પ્રમાણે અમલ કરવાની વાત તો આગળ ઉપર જ્યારે સમય આવે ત્યારે. અત્યારે તો કાબેલ મુનીમની હામાં હા ભણ્યા સિવાય બીજો આરોવારો નહોતો. બાકી મનમાં તો અમરત સારી પેઠે સમજતી હતી કે ઓધિયા જેવા ઊખડેલ દારૂડિયાના હાથમાં પેઢીનાં કૂંચીકિત્તો સોંપાય તો તો બીજે જ દિવસે પેઢીનું ઊઠમણું થઈ જાય. પણ અમરત તો જીભનાં જશમાં માનનારી હતી. માત્ર જીભ ચલાવ્યે જ જંગ જીતી શકાતો હોય તો કાં ન જીતી લેવો ? અત્યારે પણ એણે એ જ નીતિ અજમાવી. શરૂઆતમાં થોડા દિવસ ભલેને ઓધિયો ચતરભજના ગાદી–તકિયે બેસી જતો ! આગળ ઉપર એને ઉખેડીને ફેંકી દેતાં મને ક્યાં નથી આવડતું ?

ચતરભજની માગણી તો જાણે કે સાવ મામૂલી જ છે, અને એ તો હું વગર માગ્યે જ બક્ષી દઉં એટલી ઉદારતા મારામાં છે, એવો સરસ દેખાવ કરીને અમરતે અભિનય સાથે કહ્યું :

‘ઓય ધાડેના ! માગી માગીને આટલું જ માગ્યું ? ઓયવોય !