પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૬
વ્યાજનો વારસ
 


એમાં અટાણ સુધી આડી આડી વાત શું કર્યે જાતો હતો ? મેં તો કીધું કે મદદના બદલામાં ચતુ કાંઈક હાથી ને ઘોડા માગી લેશે. પણ તેં તો માગી માગીને ફક્ત ઓધિયા સારુ ગાદી–તકિયા જ માગ્યા ?’

‘મારે એટલું બસ છે. વધારે કાંઈ ન જોઈએ. મારો ઓધિયો એનો રોટલો રળતો થાય...’

‘એટલામાં તેં શું મોઢું બગાડ્યું ! ઓધિયાને તો હું વગર કીધે જ મુનીમ–પદે બેસાડવાની હતી. બાપની ગાદીએ તો દીકરો જ શોભે ને ? નામાંકામાંની હૈયાઉકલત ને કાંટિયાં વરણ હારે કામ લેવાની આવડત તો ઓધિયાને જ તેં શીખવ્યાં હોય ને !’

‘ને હજી કામ કરતો થાશે એટલે વધારે શીખશે. કામ કામને શીખવે...’

મીઠાબોલી અમરતના શબ્દછળને ચતરભજ હજી પામી શક્યો નહોતો. એ તો પોતાના પુત્રને સાચોસાચ મુનીમપદે કલ્પી રહ્યો હતો.

અમરત હજીય પોતાનો વાગ્વૈભવ પાથરી રહી હતી :

‘અરે ભગવાન ! મેં તો ધાર્યું કે ચતુ તો ઓલી વાર્તાના આંધળાની જેમ ‘મારા દીકરાના દીકરાની વહુને સાત ભોંયવાળી મેડીને છેલ્લે મજલે સોનાની ગોળીમાં છાશ ફેરવતી જોઉં’ એવી આકરી માગણી કરશે. પણ તેં તો માગી માગીને અંતે મામૂલી ચીજ માગી ! દીકરાને મુનીમ–પદ દેજો.’

‘બીજું તો મારાથી મગાય પણ શું ? આટલું વળી…’

‘અરે ભલા જીવ, આટલું તો અમે વગર કીધે જ સમજીએ ને ? અમનેય થોડીઘણી અકલ તો ભગવાને આપી છે. અમે એટલું પણ ન સમજીએ કે ઓધિયાને પાળવો–પોષવો એ અમારો ધરમ છે ? જેના બાપે પેઢી સારુ થઈને જિંદગી નિચોવી એ છોકરાને અમે ભૂલી શકીએ ? અમને તે એટલાં નગુણાં ધારી લીધાં ?’

‘એટલું બધું તો નહિ, પણ મારે તો મારી તજવીજ કરવી જોઈએ ને ? વગર કીધેય તમે આટલું કરવા તૈયાર છો, એ તમારી