પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૩૩]


આડા વહેરની હડફેટે

મરતની આડી કરવતે બરોબર કામ આપ્યું છે. આડા વહેરના એક જ ઝાટકા સાથે પોતાના માર્ગ આડેની સઘળી આડશો એણે ઉડાડી મૂકી છે.

લશ્કરી શેઠ જેવા મુત્સદ્દી માણસ અમરતના આ પગલા સામે આંગળાં કરડતા બેસી રહ્યા. નંદનના દીકરાનો વારસાહક સહુને કબૂલ કરવો પડ્યો.

કાબેલ ખેલાડીની અદાથી અમરત એક પછી એક પાસા ફેંકતી જાય છે. એક પછી એક કરવત ચલાવતી જાય છે અને ધ્યેયપ્રાપ્તિનો માર્ગ નિષ્કંટક બનાવતી જાય છે.

શરૂઆતમાં કોઈ ૨ડ્યાખડ્યા જાણભેદુઓ પેલી કૂબાવાળી વાત અંગે બીતાં બીતાં એકાન્ત ખૂણે પોતાની શંકા–કુશંકાઓ વ્યક્ત કરવા મથતા. પણ પછી અમરતના શાસનની એવી તો હાક વાગી કે શંકાઓ અને ગુસપુસો બધી કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગઈ.

નવા વારસનું નામ તો મજાનું ‘પદ્મકાન્ત’ રાખ્યું હતું, પણ શેઠિયા માણસોનાં નામ તો જાડાંમોટાં જ હોય એવા કોઈ અણલખ્યા નિયમને વશ વર્તીને ગામલોકોએ થોડા સમયમાં એ નવા નામને ‘પદમ શેઠ’માં ફેરવી નાખ્યું.

ઊગતાને પૂજનાર ગામલોકોએ તો પદમ શેઠના વારસાહક ઉપર મહોર પણ મારી આપી :