પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
વ્યાજનો વારસ
 

 અને પછી, પોતે પણ માંડ માંડ સાંભળી શકે એવા ધીમા અવાજે અમરતે રઘીને કેટલીક વાતો કહી, કેટલાક પ્રશ્નો પૂછ્યા અને છેવટે એને ગભરાવવા કેટલીક ડરામણીઓ દેખાડી.

સારી વાર સુધી, ગળામાંથી દબાઈ દબાઈને બહાર નીકળી જતાં ડૂસકાં સિવાય બીજો કશો સ્વરોચ્ચાર આ ઓરડામાંથી ન સંભળાયો.

મોડે મોડે જ્યારે રઘી રડી રડીને લાલચોળ આંખોને સાડલા વડે લૂછતી બહાર નીકળી ત્યારે પાછળથી ધૂંઆપૂંઆ થતી અમરતનો મરદાની અવાજ સંભળાતો હતો :

‘કાળા કાગડાની મોઢે પણ જો પેટ ખોલ્યું તો રાઈ જેવડા કટકા કરીને ભેાંયમાં ભંડારી દઈશ !’

રઘી ગમ ખાઈ ગઈ. પછી એણે સુલેખા સાથેની ઊઠ-બેસ ઓછી કરી નાખી. છતાં બન્ને વચ્ચે એવી તો આત્મીયતા બંધાઈ ગઈ હતી કે એકબીજાને મળ્યા વિના ચેન ન પડતું. પરિણામે ઘણી વખત ઘરમાં સહુ જંપી જાય પછી રઘી ચોરીછૂપીથી સુલેખા પાસે આવતી રહેતી અને મોડે સુધી અનેક રસભરપૂર વાતો કહેતી. રઘી પાસે રોમાંચક તેમ જ ભયાનક વાર્તા–કથાઓનો ભંડાર હતો અને એ સાંભળવામાં સુલેખાને બહુ રસ આવતો, પણ અમરત ફઈની બીકે રઘીને બહુ સહચાર સાધતાં સુલેખા પણ ડરતી હતી.

સત્તા હાથમાં આવ્યા પછી અમરતનો કડપ વધ્યો છે. સુલેખાના વહીવટકાળ દરમિયાન જીવણશાએ ટીખળમાં યોજેલ ‘રાણીનું રાજ’ શબ્દોને અમરતના વહીવટે વધારે વાજબી ઠરાવ્યા. ઘરના રાજકારણમાં તેમ પેઢીના રાજકારણમાં પણ અમરતે આડા ઘા મારવા માંડ્યા છે. લશ્કરી શેઠે આ પેઢી માટે વીસપુરથી મોકલેલા વાણોતરો અમરતના આડા ઘાની પહેલી હડફેટ ચડી ગયા. પેઢીની કામગીરીમાં અમરતની દખલ એટલી તો વધી પડી કે બાકી રહેલા વાણોતરો પણ અંદરોઅંદર મજાકમાં દહેશત સેવવા લાગ્યા કે વર્ષો પહેલાં આ દુકાનેથી ‘હરકોરની હૂંડી’ વિખ્યાત થઈ હતી એમ હવે પછી