પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આડા વહેરની હડફેટે
૨૬૯
 

 પત્યું. ઓધિયાના આ એક જ વાક્યે વાત આખીને વણસારી મૂકી. કશુંય બોલ્યા વિના દલુ સીધો મા પાસે દોડ્યો. ઓધિયાના છેલ્લા શબ્દોએ દલુને પણ ચોંકાવી મેલ્યો હતો. રિખવના અકાળ મોત પાછળ કોઈનો હાથ હતો ? – અને તે પણ બીજા કોઈનો નહિ ને પોતાની સગી જનેતાનો ! — મરનાર રિખવની સગી ફઈનો જ !... એ વાત સાચી હોઈ શકે ? સાચી હોવાનું સંભવી પણ શકે...?

જે બન્યું હતું, જે બોલાચાલી થઈ હતી એ રજેરજ દલુએ માને મોઢે કહી સંભળાવ્યું અને બનાવની સત્યાસત્યતા અંગે મા પાસેથી દીકરો જવાબ માગી રહ્યો.

પણ દીકરાને જવાબ આપવાનો સમય અમરત પાસે નહોતો. આવે પ્રસંગે તાબડતોબ આડા વહેરે કરવત ચલાવવા માંડવી જોઈએ, એમ સમજનાર અમરત દીકરાના બાલિશ લાગતા પ્રશ્નોના ઉત્તર આપવા રોકાય એવી ગાલાવેલી નહોતી. જરાય ક્ષોભ પામ્યા વિના કે પાકટ મોંની પ્રતિભાવંતી રેખાઓમાં જરાય ફરક પડવા દીધા વિના મક્કમ પગલે એ પેઢી તરફ જવા ઊપડી.

ઓધિયો હજી પણ રોષમાં ધૂંધવાતો તકિયા ઉપર ઊભડક બેઠો હતો. અમરતને અસૂર ટાણે પેઢીમાં દાખલ થતી જોઈને એને લાગ્યું કે હમણાં આ અમરત ફઈ પોતાના જોરૂકા પંજાના બેચાર લાફા મને ચોડી દેશે પણ કોઈની ધારણા પ્રમાણે અમરત કાઈ દિવસ વરતી હતી તે અત્યારે પણ વરતે ?

એણે તો અત્યંત નમ્ર અને સાહજિક સ્વરે ઓધિયાને આટલું જ કહ્યું :

‘કાં દીકરા !...’

આવા વહાલભર્યાં સંબોધનથી ઓધિયો વધારે ચમક્યો.

અમરત આગળ વધી :

‘વાણોતરું કરી કરીને થાકી ગયો લાગ છ ! બહુ દી લગણ