પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦
વ્યાજનો વારસ
 

 મુનીમપદું ભોગવ્યું. હવે તારા બાપની ભેગો તુંય થાકલા ખા....’

ઓધિયો બધુંય સમજી ગયો.

વધારે વિનમ્ર સ્વરે અમરત આગળ વધી :

‘કૂંચી ને કિત્તો હેઠાં મેલી દે.’

બસ ! હુકમમાં બે જ શબ્દોનો વપરાશ : કૂંચી કિત્તો જ. એ બે વસ્તુઓની જ ઝૂંટવણી. મુનીમપદનાં એ બે આયુધો અમરતે ઝુંટવી લીધાં.

કૂંચી અને કિત્તો હેઠાં મૂક્યા પછી ઓધિયો બીજા હુકમની રાહ જોતો રહ્યો.

અમરતે તો એ જ ભયંકર મીઠા અવાજે કહ્યું :

‘હવે આ મખુદેથી ને આ ઉંબરેથી હળવે રહીને હેઠો ઊતરી જા... જા, જાળવજે હોં, બાપુ, આ દોત – ખડિયો ઠેસે ન આવે... હોં. દીકરો છે તો ડાહ્યોડમરો ને કહ્યાગરો ! ચતરભજ ભારે મોટો પુણ્યશાળી કે આ પેટઠારણો દીકરો પામ્યો....’

ઉંબરેથી હેઠે ઊતર્યા પછી પણ ઓધિયો ક્ષણાર્ધ માટે ખમચાઈને ઊભો રહ્યો — હજી પણ અમરત ફઈ કશો ઠપકો આપે છે : હજીયે મારા બોલવા બદલ એકાદ બુંશટ ખેંચી કાઢે છે ? મારી ઉદ્ધતાઈ માટે હજીય એકાદી અડબોથ મારે છે ?

પણ અમરત એવી શારીરિક શિક્ષામાં માનતી જ નહોતી. એની પાસે તો ઝીણામાં ઝીણી તીક્ષ્ણ દાંતવાળી કરવત હતી, જે ગમે તેવા આડા વહેરણ – કામમાં પણ મૂંગી મૂંગી સડસડાટ ચાલી જતી. મોટાં બીમ વહેરતાં વહેરતાં આડે ગમે તેવી ગાંઠ આવે તો પણ આ કરવત લગીરે આંચકો ખાતી નહિ. ઓધિયાના કાનમાં પણ અમરતે આ ઝીણા દાંતા જેવા શબ્દો જ વેર્યા – જે થોડા દિવસ પહેલાં રઘી સમક્ષ વેર્યા હતા :

‘જીવ વહાલો હોય તો જસપરની સીમ છાંડી જાજે. નીકર રાઈ રાઈ જેવડા કટકા કરી નાખીશ : જીવતો જ ભોંયમાં