પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૩૪]


બાળા, બોલ દે !


સંગા સંગા ભોરણિયાં...
ને કોટે બાંધ્યાં તોરણિયાં...
 તા... થૈ... થ... તા... થૈ…
તાળીગર ટોળે મળ્યા, ભૂંગળિયાં બે જોડ;
ભૂંગળિયાં બે જોડ કે પાસે રંગલો ઊભો રહ્યો...
 ભોં... ભોં... ભોં ...ઓ... ઓ...

સપરના પાદરમાં સમી સાંજથી તાળીગર લોકોને ભેગા કરવા માટે આવાં જોડકણાં ઉચ્ચારતા અને ભૂંગળ વગાડતા ભવાયાઓ પટ બાંધીને પડ્યા છે. ગામ આખાનાં છોકરાંની ભૂંજાર વાળુ કે કરીને તેમ જ વાળુ કર્યા વિના પણ ખડે પગે અહીંથી ખસતી નથી. પંથકભરમાં નામી બનેલ ભવાયાઓ આજે રમવાના છે. એ રમનારાઓની શક્તિઓ અને અનેક અત્યુક્તિભરી વાયકાઓ પ્રચલિત બની છે : પેટ વચ્ચોવચ કેરીની ગોટલી વાવીને આંખો ઉગાડી દિયે અને પ્રેક્ષકોને કેરીનાં ચીરિયાં કરી કરીને ચખાડે; એનો નાયક માતાનો ઉપાસક છે તેથી તલવાર વડે પોતાનું માથું ઉતારી લે છતાં એનું ધડ ચાલતું ચાલતું ફૂવેથી પાણીનો ઘડો સીંચી લાવી આપે... આવી રંગદર્શી વાતોથી આકર્ષાઈને ગામ આખું આજે વેશ જોવાને અધીરું બન્યું છે. પદ્મકાન્ત પાંચ વર્ષનો થયો હોવા છતાં હજી એને ઘડી વાર પણ રેઢો મૂકવામાં નથી આવતો. રઘી એની ધાવમાતા ઉપરાંત રખેવાળણ તરીકેની