પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૪
વ્યાજનો વારસ
 

 મેળવવાના લોભમાં પડ્યો ને આજે આ સ્થિતિ આવીને ઊભી રહી. હવેલી લેવા જતાં ગુજરાત ખોવા જેવો ધંધો થઈ ગયો.

દલુને મોઢે ઓધિયાએ ઉચ્ચારેલ મર્મ વાક્યોએ અમરતને પણ ચિન્તાતુર કરી મૂકી હતી. જે હકીકત આ દુનિયામાં અમરત અને ચતરભજ સિવાય બીજું કોઈ નહોતું જાણતું એ ભેદ ઓધિયાને પણ જાણવા મળ્યો છે, એમ સમજાતાં અમરત ગભરાઈ ગઈ હતી : આજે તો ઓધિયાએ દલુને મોઢે એ મર્મ ખોલ્યો, પણ સવારે ઊઠીને કોઈ ત્રાહિત વ્યક્તિને કાને વાત જાય તો ?...

‘…હજુ પણ ઓધિયાને મનાવીને પાછી પેઢીને ઉંબર ચડાવી દઉં તો ? હજુય ચતરભજને રીઝવી લઉં તો ? એ પણ ભારે ભૂંડો છે. ભૂંડા માણસની પાનશેરી ભારે…’

અમરત આવી ગડમથલ અનુભવી રહી હતી ત્યારે જ પદ્મકાન્તે ભવાઈનાં ભૂંગળ સાંભળીને પાદર જવાનું વેન લીધું.

નંદને દીકરાને બહુ બહુ ફોસલાવ્યો, પટાવ્યો, વાર્યો, પણ પદ્મકાન્ત એકનો બે ન જ થયો. છેવટે, દીકરાને રડતો છાનો રાખવા માટે રઘીને સૂચના આપવામાં આવી કે પદ્મકાન્તનું વેન ભાંગવા માટે એને એકાદો વેશ દેખાડીને તરત પાછો તેડી આવે.

પાદરમાં હકડેઠઠ્ઠ પ્રેક્ષકોનો ડાયરો જામ્યો છે. સવારે સૂરજ મહારાજનાં દર્શન થયા પછી જ આટોપાનારી રમતના રસિયાઓએ ખાટલા ઢાળીને માથે ધડકીઓ પાથરી દીધી છે. ચારે બાજુના પંથકમાંથી માણસો ચાલતાં તેમ જ ગાડાં જોડીજોડીને આવી પહોંચ્યાં છે. જુવાનિયાઓ સારોસવાર જાગતા રહેવા માટે ગડાકુ – તમાકુના જોગ કરી રહ્યા છે. જુવાન વહુવારુઓ આજે વહેલાં વહેલાં કામ આટોપીને જૂઠણ ને સૂઘરીના વેશ જોવા આવી પહોંચી છે.

રઘી પણ રડતા પદ્મકાન્તને છાનો રાખવા માટે લોકોના ટોળા વચ્ચે આવી બેઠી ત્યારે દૂર પુરુષવર્ગમાં બેઠેલ એક આદમીની આંખો પદ્મકાન્ત તરફ ખેંચાઈ અને એક અનેરી ચમકથી ચમકી ઊઠી.