પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લાખિયારની દુઆ
૧૫
 

 તુરત ચતરભજ તાડૂક્યો : 'લાખિયાર આવ્યો તો મારે શું એને ચોખા ચડાવીને પૂજવો? આ ખાતું ચોખ્ખું કરવાનું નામ નથી લેતો, વ્યાજના વ્યાજ ને એનાંય વ્યાજ ચડ્યે જાય છે, ને તમને સૌને તે લાખિયારનો મલાવો માતો નથી !' આ ઘરમાં મુનીમનું જે ચલણ, ઘરોબો ને વટ હતાં એના અધિકારની રૂએ ચતરભજ વખત આવ્યે મોટપ ધારણ કરીને ખુદ આભાશાને પણ ઊંચે સાદે ઠપકો આપી શકતો.

જવાબમાં આભાશા માત્ર એટલું જ બોલ્યા; 'હોય ઈ તો, એમ જ હાલે. એકાદુ કળ મોળુંય આવી જાય. પાંચેય આંગળી થોડી સરખી કરી છે ? બાકી લખિયારનું લેણું લાખ વરસેય ખોટું નઈ થાય. સંધી લોક દાનતના સાચા હોય.'

ડેલીના ઉલાળિયાનો તોતિંગ ધોકો ઊલળીને હેઠો પછડાયો, અને ઉંબરા ઉપર લાખિયારની કડિયાળી ડાંગનો ખડિંગ અવાજ થયો. રજવાડી અદાથી ગૌરવભર્યા ધીમાં ડગલાં ભરતો લાખિયાર ઓશરીનાં પગથિયાં ચડ્યો અને હડપચીની બરાબર વચ્ચે સેંથી પાડીને ડાબેજમણે ઓળેલી કાળીબોઝ દાઢી ઉપર નાજુક અદાથી હાથ ફેરવી લઈ, પહેરણની મૂલતી બાંયો સમાલી, ઓશરીની કોર ઉપર જ પલાંઠી વાળી બેસી ગયો.

'ભાર્યે રાજી થાવા જેવું થ્યું હોં શાબાપા!' અભણ લાખિયારે પોતાને આવડે એવી ભાષામાં ખુશાલી દર્શાવવાની શરૂઆત કરી. આભાશા જોકે ઉંમરમાં લાખિયાર કરતાં કાંઈ બહુ મોટા નહોતા, છતાં લાખિયાર પાસે ભાવપ્રદર્શનનું બીજુ કોઈ સંબોધન ન હોવાથી પોતે તેમ જ પોતાનાં સૌ કુટુંબીઓ આભાશાને 'શાબાપા' કહીને જ સંબોધતાં.

'ઈશ્વરનું કર્યું સંધુય થાય છે. આપણે કીધે તો આ ઝાડનું પાંદડુંયે નથી હાલી શકતું.' આભાશાએ કાંઈક સ્વભાવજન્ય ને કાંઈક ઔપચારિક નમ્રતાથી કહ્યું.