પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬
વ્યાજનો વારસ
 


‘અડવો’ ‘તેજો’ ને ‘નાપલો’ની ત્રણે ભૂમિકાઓ ભજવી બતાવી પ્રેક્ષકોને ભારે હસાવ્યા.

રઘીને હવે ઊઠવાનું યાદ તો આવ્યું, પણ હવે એક ઝંડા – ઝૂલણનો વેશ જોઈને ઊઠીશ એમ કરીને બેઠી રહી.

પદ્મકાન્ત રમતો રમતો જરા આગળ નીકળી ગયો.

નંદન બારીએ ઊભી ઊભી વાટ જોતી હતી.

‘દલ્લી શેરથી નીસરી આવ્યા ઊંઝા ગામ, એ લીલુડી ભાંગના ભોગી, મારા છેલ ઝંડા !’ ઉપર તેજા વાણિયણ ઓળઘોળ કરી ગઈ.

પૂરબિયાના વેશમાં હજામને પરણવા તૈયાર થયેલી ગંગા પૂરબિયાણીને નટવાએ ગંગાના શરીરના સઘળા શણગારો દ્વિઅર્થી ભાષામાં પૂછી પૂછીને બીભત્સ રસની પરાકોટિ સાધી અને એ રસના ભોક્તાઓને બેહદ હસાવ્યા.

એ રસાનુભવ માટે જે લોકો આ વેશની જ વાટ જોઈને બેઠા હતા એ સહુ હવે ઊભા થઈ થઈને ચાલવા માંડ્યા.

પણ રઘી હજીય બેઠી રહી; અને આંખમાંથી આંસુ પડાવે એવો પાવૈ – પુરાણનો કરુણ વેશ જોવાનું મન હતું.

પદ્મકાન્તને પણ તોફાન કરવા માટે સંગાથીઓ મળી ગયા હતા. વાટ જોઈ જોઈને નંદન થાકી ત્યારે પદ્મકાન્તને તેડવા બહાવરી બનીને પાદર તરફ આવવા નીકળી.

રમવાવાળાઓએ ભારે રસ–જમાવટ કરી હતી.

રાત ભાંગતી જતી હતી.

પાટણવાડા પ્રગણાને ગાંગો નામે ધર્મશીલ રાજા એને ઘરે ગુણસુંદરી નામે નિઃસંતાન રાણી. એમને ત્યાં ગંગા નામે ગાય અને વછરાજ કરીને વાછડો. ગુણસુંદરી આ વાછરુ ઉપર પુત્રવત્ વાત્સલ્ય રાખીને રોજ ઊઠીને એને ચૂમી ભરે. એક દિવસ ગાંગો ગામેતી ચોરે ડાયરો ભરીને બેઠા છે. ખોબે કસુંબા ઊડી રહ્યા છે. એવામાં ગંગા તથા વછરાજને ડચકારતો ડચકારતો ગોવાળ નીકળ્યો.