પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળા, બોલ દે !
૨૭૭
 


રાજાએ ડાયરાને પૂછ્યું કે વછરાજને વડાર્યો હોય તો ગોધલો કેવોક થાય ? સાંભળીને સભાજનોને અરેરાટી છૂટી : ‘બાપુ, તમારા દીકરા સમાણા વછરાજ માટે આવું ન બોલો !’……

પદ્મકાન્તને કાંઈક લાલચ આપીને એક વ્યકિત એને દૂર લઈ ગઈ.

…રાજાએ તો સભાજનોની પરવા કર્યા વિના વાઘરીઓને બોલાવીને, ભાંભરડું જરાય બહાર ન સંભળાય એમ છુપી રીતે વછરાજને વડરાવ્યો…

પદ્મકાન્ત પૂછતો હતો : ‘મામા, મને ક્યાં લઈ જાવ છો ? જવાબ મળતો હતો : ‘બેટા, તારે ઘેર લઈ જાઉં છું. તારી બા તને બોલાવે છે.’

રઘી એક ધ્યાને આ કરુણ રસનું પાન કરી રહી છે.

...વછરાજ તો પીડા સહન ન થવાથી ખીલા ઉપર માથાં પછાડી પછાડીને મા માટે ઝૂરતો ઝૂરતો મરી ગયો. સાંજ પડી ને ગો–ધણ પાછાં વળ્યાં. ગંગા ખીલે આવીને વછરાજને ધવડાવવા દોડે છે ત્યાં તો વછરાજને મૂએલો દેખીને પોતે પણ માથું પછાડી પછાડીને મરી ગઈ....

ધાવમાતા રઘીના હૃદયમાંથી એક આછી અરેરાટી નીકળી ગઈ.

સાંજે રોજને રાબેતે રાણી ગાય–વાછડાના દર્શને આવી ત્યાં તો મા–છોરુને મરેલાં દીઠાં......

નંદન પાદરમાં આવીને પદ્મકાન્તની ગોત કરવા લાગી.

થોડે દૂર અંધારામાં જઈને પદ્મકાન્તે કાળી ચીસ પાડી. પણ તરત એને મોઢે ચસચસાવી ફાળિયાનો ડૂચો દેવાઈ ગયો. ડૂચો દેનાર માણસે બાળકનો ટોટો પીસીને પ્રાણ લીધો.

...ગાય-વાછડાને મરેલાં દેખીને ગુણસુંદરી તો કપાત કરવા લાગી. મહેલમાંથી રાજાની કટાર લાવીને વછરાજ સન્મુખ રાણી બોલી : હે ભગવાન, જો મેં એકનિષ્ઠાથી પતિવ્રત પાળ્યું હોય