પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
વ્યાજનો વારસ
 

 'મેં તો, વાડામાં પડે છે ઈ અંજવાશિયામાંથી કાંહાની થાળી ખખડતી સાંભળી ને તરત મનમાં થયું કે વાહ ખુદા ! તેરી રહમ ! લાખુની. ઇસ્કામતું નો ભોગવનાર આવ્યો ખરો !'

'બધી ઈશ્વરની માયા છે, લાખિયાર !'

'ઈ તો છે જ ભાઈ ! પણ નેકીનો બદલો, દેનારો દઈ જ રિયે છે. ગામમાં આટલા બધા વેપારી વ્યાજવટાવનો ધંધો કરે છે, પણ નેકીથી હાલનાર તો આ જલમભરમાં આભોશા એક જ જોયો. મોઢે મીઠું નથી લગાડતો, પણ મારા આવડા આયખામાં મેં તો ઘણાય વ્યાજવટાવનારાનું ધનોતપનોત નીકળી જતું જોયું છે. કોક વાર કોઈ મિસ્કીનની કદુવા લાગી જાય, કોઈ રાંક માણસની આંતરડી કકળી જાય, તો એની હાય સામા માણસને ખાઈ જાય.'

'દ્રવ્ય-પ્રાપ્તિમાં પણ માણસે ધર્મભાવનાથી વર્તવું જોઈએ એમ વિમલસૂરીજી કહે છે. ખરું ને ચતરભજ ?' આભાશાએ ચતરભજને યાદ આપી.

કોણ જાણે કેમ પણ ચતરભજના મગજની કમાન છટકી : 'ઈ સંધાય પોથીમાંયલાં રીગણાં. સાધુ મા'રાજને તો પાતરાં ફેરવીને ગોચરી ઉઘરાવવાની એટલે આવી બધી વાતું કરવી પોસાય. બાકી એવા વેવલા થાવા જાઈ તો વેપલો નો થાય ને સાંજ મોર આ પેઢીને ખંભાતી લગાડવું પડે.'

લાખિયારે કહ્યુ: 'એમ હોય ભાઈ ? નેકદિલ આદમીની તો વાત જ નોખી. શાબાપાની સાત સાત પેઢીથી આવી રજવાડી સાયબી હાલતી આવી છે; બાપ કરતાં બેટા સવાયા નીકળે એવું જ હું તો આ ડેલીએ જોતો આવ્યો છઉં. દેવાશા કરતાંય આભાશાએ વેપાર વધાર્યો. દેશભરમાં નામ કાઢ્યો. ને આભાશાના નામનો ડંકો આ નવા શેઠ વગાડશે...'