પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૬
વ્યાજનો વારસ
 

 તેટલી તનતોડ મહેનત કરે છે. દાળિયાનું સદાવ્રત ચલાવે છે. જમવા ટાણે ગોળ–ચોખાનાં જમણ પીરસે છે, વારતહેવારે લાડવા વહેંચે છે.

અન્નક્ષેત્રના પગી તરીકે એક માણસની આવશ્કયતા જણાવાથી દલુએ થોડી તપાસને અંતે વૃદ્ધ લાખિયારને શોધી કાઢ્યો. લાખિયાર હવે તો પાછલી જિંદગીના સૂસવતા વાયરા ખમીખમીને સાવ ખખડી ગયો હતો પણ પગી તરીકે એ ઠીક કામગીરી આપી શકશે એમ વિચારીને દલુએ એને રાખી લીધો.

લાખિયાર ચોવીસે કલાક અન્નક્ષેત્રની ડેલી ઉપર બેસે છે. એની આંખો હવે ઊંડી ગઈ હોવા છતાં ડેલીનો ઉંબરો ઓળંગતી હરેક વ્યક્તિ સામે આ ડોસો પોતાના હાથનું છાજું કરી એની તપાસ કરી જુએ છે – સવારસાંજ મોટો સાવરણો લઈને ફળિયાના પહોળા પટમાંથી કચરો કાઢે છે; સમય મળે ત્યારે કૂવેથી પાણી સીંચીને ફૂલ–ઝાડની ક્યારીઓમાં રેડે છે.

રિખવ શેઠના જીવન્ત સ્મારક સરખું આ અન્નક્ષેત્ર પણ સુલેખાના વ્યાપક પ્રેમ–જળના સતત સિંચન વડે થોડા જ સમયમાં ફળિયાના બગીચાની જેમ જ ફૂલતુંફાલતું ગયું.

લાખિયારના આગમન પછી સુલેખા અને રઘીને માથેથી ઘણી ઉપાધિઓ ઓછી થઈ જવા પામી. પરિણામે નવરાશને સમયે રઘી લાખિયાર પાસે જઈને બેસતી અને કલાકો સુધી વાતોના સેલારા માર્યા કરતી.

પોતાની રહેણાક નિંજરી ગુમાવ્યા પછી લાખિયારે પત્ની પણ ગુમાવી હતી અને જુન્નુ પણ મોટો થતાં એક નવી તકરારમાં લાખિચારને લાફો મારીને શહેરમાં નાસી ગયો હતો, જ્યાં એ જતે દહાડે સામાન્ય પોલીસમાંથી ફોજદાર સુધીને હોદ્દે પહોંચ્યો હતો એમ લાખિયારે સાંભળ્યું હતું. પણ વૃદ્ધ બાપની સંભાળ લેવાનું જુન્નુને