પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અન્નદેવની ઉપાસના
૨૮૭
 

 મુનાસિબ લાગ્યું નહોતું. લાખિયારની આવી નિરાધાર દશા જોઈને જ દલુએ એને પગીપણાની નોકરી દ્વારા પોષવાની પોતાની ફરજ ગણી હતી.

જીવનના આવા ઝંઝાવાતો ખમી ખમીને રીઢો થયેલો લાખિયાર પણ ઉત્તરાવસ્થામાં માનવ–સહવાસ માટે તલસતો હતો; અને આ પગીપણું જાણે કે એને આશીર્વાદ સમાન થઈ પડ્યું. એક્કેએક આગંતુક અભ્યાગત સાથે લાખિયાર થોડા પરિચયમાં જ આત્મીયતા સાધી લેતો. સામા માણસના જીવનની રજેરજ હકીકત એ અજબ ઉત્સાહ અને ઊંડા રસપૂર્વક પૂછતો. આગંતુકોનાં જીવનની કડવી-મીઠી વાત એ સાંભળતો એટલું જ નહિ પણ સાથે સાથે સંવેદન પણ અનુભવતો.

‘ભાઈ, તમે મૂળથી જ સાધુ હતા, કે પછીથી ભેખ લીધો ?’

‘ભાઈ, તમને આવડી ઉંમરમાં એવાં તે શાં દુઃખ પડ્યાં કે સંસાર છોડી દીધો ?’

‘ભાઈ, તમને સંસાર ઉપર વૈરાગ્ય કેમ આવ્યો, એ કહેશો ?’

‘ભાઈ તમારી જિંદગીના તડકા–છાયા મને સંભળાવશો ?’

લાખિયાર ભારે સાહજિકતાથી આવા આવા પ્રશ્નોની પરંપરા ચલાવતો અને કિસમ કિસમના માણસોને મોંએ જે કિસમ કિસમના ઉત્તર મળતા, જીવનની નિરાશાઓ, નિષ્ફળતાઓ વગેરેના જે ઊના ઊના નિસાસા સંભળાતા, એમાં લાખિયાર પોતાની નિસાસાવરાળ ઉમેરીને હૃદયાગ્નિને હળવો અને સહ્ય બનાવતો. સામા માણસના જીવનની વિફળતાઓ સાથે એ પોતાની વિફળતાઓ સરખાવતો, અને ‘મારા જેવાં દુ:ખિયાં પણ બીજે છે ખરાં !’ એવો વિચિત્ર સંતોષ અનુભવતો.

જીવનની આવી સંતપ્ત સ્થિતિમાં લાખિયારને રઘીનો સહવાસ ઠીક શાતાકારી બની રહ્યો. રઘીને હવે પહેલાંના કરતાં વધારે નવરાશ મળતી તેથી એ હાલતાં ને ચાલતાં લાખિયારને ખાટલે