પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૩૭]
વછોયાં


ન્નક્ષેત્રની ખ્યાતિ દૂર દૂરના પંથક સુધી પહોંચી ગઈ છે. દૂર દૂરથી વૈરાગીઓ અને સાધુઓ, નાથ બાવાઓ અને નાગા પંથીઓ, વામ–માર્ગીઓ અને શાક્તપંથીઓ, ખાખી બાવા અને મારગી બાવા, પાટના ઉપાસકો અને બિભત્સ પ્રેમના પૂજારીઓ સહુ જાત્રાએ જતાં-આવતાં જસપરમાં મુકામ કરે છે અને અન્નક્ષેત્રનો લાભ લે છે. આ અન્નક્ષેત્રમાં સહુ અભ્યાગતોની યથાશક્તિ ખાતરબરદાસ્ત થાય છે.

ગાંડી અમરત આ બધું જોઈને દાઝી મરે છે. પણ હવે એ દલુ પાસે લાચાર છે. પોતાના પેટે જ એને દગો દીધો છે.

સુલેખા જીવનની કૃતાર્થતા અનુભવી રહી છે. પેઢીના પૂર્વજોનાં સામટાં પાપનું પ્રાયશ્ચિત કરી રહી છે. અને નવરાશને સમયે ‘સુરૂપકુમાર’ના ચિત્રને પૂર્ણ કરવા મથી રહી છે.

પ્રાંતભરમાં ખ્યાતિ પામેલ મહંત બાળનાથની નાની સરખી મંડળીએ એક દિવસ જસપરમાં મુકામ કર્યો. એક વખત મહંત ભેરવનાથની આ જમાત સંખ્યા તેમ જ સમૃદ્ધિમાં આગળ પડતી હતી; પણ પછી દેશકાળ પ્રમાણે એની સંખ્યા અને સમૃદ્ધિ ઘસાતાં ચાલ્યાં : ભેરવનાથના મૃત્યુ પછી મહંતપદ ‘છોટે મહંત’ તરીકે ઓળખાતા પટ્ટશિષ્ય બાળનાથને મળ્યું હતું.