પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વછોયાં
૨૯૩
 

 સુલેખા કાવ્યરસની પરાકાષ્ટા અનુભવી રહી. જે ચિત્ર પાછળ એણે સમસ્ત જિંદગી ખર્ચી હતી અને છતાં જે અધૂરું રહેતું હતું તે આજે એક ક્ષણના કાવ્યપાનથી જાણે કે સાંગોપાંગ સંપૂર્ણ બનીને નજર સામે તરવરવા લાગ્યું. પ્રકૃતિનાં જે અપાર્થિવ તેજ પોતે પીંછી દ્વારા મૂર્ત કરવા મથી રહી હતી એ તેજને અલક્ષ્યના ધામમાંથી ઝળહળતી જ્યોત રૂપે, ‘સવાયાં નૂર’ રૂપે આ લોકો પોતાની શબ્દશક્તિ વડે તાદૃશ્ય કરી રહ્યા છે !...… અને એનો ગાયક બાળનાથ ? ખરેખર, એ તો જાણે કે હજીય બાળક જેટલો જ કમનીય – સવાયાં નૂરે ઓપતો લાગે છે ! સકળ વિશ્વનું મંગલ સ્વરૂપ એનામાં મૂર્ત થતું લાગે છે.

ભજનો સાંભળીને સુલેખા જ્યારે આવી આહ્‌લાદકતા અનુભવી રહી હતી ત્યારે રઘીના હૃદયમાં વર્ષો પહેલાં ભારી રખાયેલો શોકાગ્નિ ગાયકનાં વેણેવેણનો પવન ખાઈ ખાઈને પ્રજળતો હતો.

રામસાગર ઉપર અજબ કૌશલ્યથી રમતાં જતાં ગાયકનો મનહર મીઠો સ્વર સાંભળીને સુલેખા વિચારતી હતી :

‘આ માણસ સાધુ શા માટે બન્યો ?’

ગાયકના ગળાની પરિચિતતા અને નાક–નેણનો અણસાર જોઈને રઘી વિચારતી હતી :

‘આ માણસ સાધુ શી રીતે મટે ?’

બન્ને વિજોગણો વિચારે છે. રાત ગળતી જાય છે. ભજનો જામતાં જાય છે.

સુલેખા કે રઘી કોઈની આંખમાં નીંદ નથી. બન્નેનાં હૃદયમાં બાળનાથ અંગે કુતૂહલો અને શંકાઓના વલોપાત મચ્યા છે. એમનાં એ કુતૂહલો, શંકાઓ અને એ અંગેનાં સ્પષ્ટીકરણો પણ જાણે છૂટાંછવાયાં ભજનોમાં પડઘાતાં લાગે છે :