પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૮
વ્યાજનો વારસ
 

 કે, અહીં એને ‘બેટા !’ કહીને બાઝી પડનાર એક વ્યક્તિ સાંપડી ગઈ હતી.

બાળનાથને સુલેખાએ રોકી દીધો તેથી વધુમાં વધુ આનંદ તો રઘીને થયો. વેલથી વછોયું બનેલ પાંદડું એને પાછું મળતું લાગ્યું. અને એ મૂરઝાવા બેઠેલી વેલ પોતાની સંપત્તિની પુનઃપ્રાપ્તિને પરિણામે નવું પોષણ મળ્યું હોય એમ નવપલ્લવિત બનવા માંડી.

બીજી બાજુ, બાળનાથના આગમનથી અન્નક્ષેત્ર પણ નવપલ્લવિત બની રહ્યું છે. આ અન્નક્ષેત્ર અને એના અધિષ્ઠાતા મહંતની ખ્યાતિ દૂર દૂર સુધી પહોંચી ગઈ છે. એને કારણે એનો લાભ લેનાર અભ્યાગતોની સંખ્યા પણ દિવસે દિવસે વધતી જાય છે. પરિણામે, સદાવ્રત તેમ જ ભોજન પાછળ થતા ખર્ચની રકમ પણ દિવસે દિવસે વધતી જાય છે.

અને છતાં હજી સુલેખાને ઊંડે ઊંડે અસંતોષ રહ્યા કરે છે. આપમેળે જ આવ્યા કરતી વ્યાજની અઢળક આવકમાંથી અન્નક્ષેત્ર પાછળ તો બહુ જ ઓછી રકમ ખર્ચાય છે. જેમના તરફથી એ નાણું આવે છે, એ સઘળું જ તેમને પાછું નથી પહોંચી શકતું. હજીય મોટી રકમ ફાજલ પડી રહે છે. એનો નિકાલ કરવાનું સુલેખા રાતદિવસ વિચારી રહી છે.

પુત્રીએ ઉપાડેલ આ માનવતાના કાર્યમાં લશ્કરી શેઠનો પૂરે પૂરો સહકાર છે. બીજું કાંઈ નહિ તો આ નિમિત્તે પણ દીકરી વૈધવ્ય જીવનનું દુઃખ ભૂલી જાય એવી લશ્કરી શેઠની ગણતરી છે. એ ઉદ્દેશથી પ્રેરાઈને જ એમણે ફરી વીસપુરવાળા વાણોતરોને પેઢી ઉપર મોકલી આપ્યા છે. તેઓ દલુને શક્ય તેટલી સહાય કરે છે અને જૂનાં લેણાં પતાવે છે.

આ સઘળી પલટાતી સૃષ્ટિ જોઈને અમરતનું ગાંડપણ બેહદ