પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અધિકારી
૨૯૯
 

 વધી ગયું છે. હવે તો ઓરડાની ચાર દીવાલો વચ્ચે બંધાયા છતાં એના જીવને શાંતિ નથી. જે મિલકતની પ્રાપ્તિ અર્થે પોતે આટઆટલાં વર્ષ મથામણ કરી હતી, આટઆટલી જિંદગીઓ વેડફી નાખી હતી, અને છેવટે પોતાની જિંદગી પણ હાથે કરીને રોળી હતી, એ મિલકતનો આવો પરમાર્થી વપરાશ થતો જોઈને એનો જીવ કપાઈ જાય છે. અન્નક્ષેત્રના ચોગાનમાં ભિક્ષુઓ ભોજનાર્થે બેઠા હોય ત્યારે તો એ દૃશ્ય અમરતથી જીરવી શકાતું નહિં. એવે સમયે એ બારીના સળિયા સાથે માથું પછાડી પછાડીને પોતાનો વિરોધ વ્યક્ત કરતી.

દિવસે દિવસે સુલેખાને લાગતું જાય છે કે દલુ પોતાની માતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરી રહ્યો છે. સુલેખાએ આદરેલા આ માનવકાર્યમાં દલુ તનતોડ મહેનત કરી રહ્યો છે. જે માણસનો આજ દિવસ સુધી ગામલોકોએ કાંકરો કાઢી નાખ્યો હતો, એ માણસ આજે પોતાની લાયકાત પુરવાર કરી રહ્યો છે.

ફરી આભાશાના ઘરમાં એક વાર ભૂતકાલીન જાહોજલાલીની રોનક ચમકી ગઈ. રોજિંદા કલેશ અને કંકાશ ટળતાં ફરી લક્ષ્મી હસી ઊઠી. ‘શ્રીયેવ રન્તું પુરુષોત્તમેન જગત્કૃતાઙ્‌કારી વિલાસવેશ્મ’ જેવી રિદ્ધિસિદ્ધિ અને સુખાકારી ફરી આ ઘરમાં સ્થાપિત થઈ. સ્વાર્થમૂર્તિ અમરતે જે ઘરને સ્મશાનમાં પલટાવી નાખ્યું હતું એને કલાધરી સુલેખાએ હિજરાતી માનવતાનાં બહુમાન કરતું મંગલધામ બનાવી દીધું.

સુલેખાએ પોતાના તપોવનના એક્કેએક પથ્થરમાં જાણે કે રિખવનો આત્મા જાગ્રત કર્યો છે. માનવશુશ્રૂષામાં હાડ નિચોવતાં એ રિખવના આત્મા સાથે તાદાત્મ્ય અનુભવી રહી છે. અન્નક્ષેત્રને આંગણે ઢૂકતા દરેક ક્ષુધાર્તની માતા બની રહી છે. જીવની અનેક અણપૂરી મનીષાઓ એ આવી રીતે સંતોષી રહી છે.