પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૦
વ્યાજનો વારસ
 

 ‘સુરૂપકુમાર’નું ચિત્ર હવે ઝડપભેર આગળ વધી રહ્યું છે. સદાવ્રત લેવા આવનાર એક્કેએક રગતપીતિયો પણ સુલેખાને પ્રકૃતિનો જ બાળ લાગે છે અને એ કદરૂપી સુન્દરતાનાં મંગલદર્શનો એ પીંછીમાં ઉતારી રહી છે.

સુલેખા આટલે વર્ષ જીવનની ધન્યતા અનુભવી રહી છે.

ઉસ્તાદ ઐયૂબખાનને તો રિખવના મૃત્યુ પછી તરત રજા આપવામાં આવી છે, પણ શાસ્ત્રી માધવાનંદજી હજી પણ સુલેખાને સંસ્કૃત ગ્રંથોનું પરિશીલન કરાવી રહ્યા છે.

વાર્ધકને આરે પહોંચી ચૂકેલા વિમલસૂરી એક દિવસ ઓચિંતા જ ગોચરી વહોરવા આવી ચડ્યા. હમણાં થોડાં ચોમાસાં સૂરીજીએ મારવાડ તરફ વ્યતીત કર્યાં હોવાને કારણે આ તરફ તેઓ આવ્યા જ નહોતા.

સૂરીજી સીધા અન્નક્ષેત્રના ડેલામાં દાખલ થયા અને બાળનાથ સમક્ષ ઊભા રહ્યા. તેમના શરીર ઉપર ઝડપભેર આવતા જતા વાર્ધક્યે બહુ અસર કરી હતી.

હાથમાં દંડ અને રજોહરણ લઈને ઊભેલી કોઈ વ્યક્તિને જોતાં સુલેખા પોતાના ઓરડામાંથી દોડતી આવી અને વિમલસૂરીને ઓળખતાં જ એમના પગમાં પડી ગઈ.

બન્ને બાજુ લૂલાં – લંગડાં અભ્યાગતોની કતારો જમવા બેઠી હતી. કેસરવરણાં વસ્ત્રોમાં વીંટળાયેલી વિમલસૂરીની પડછંદ કાયાની સામે કૌપીનધારી યુવાન બાળનાથ ઊભો હતો. બન્નેની આંખોમાંથી વરસતાં નૂર જાણે એકબીજાની સ્પર્ધા કરતાં હતાં.

પોતાના પગમાં પડેલી સુલેખાને વિમલસૂરીએ કહ્યું :

‘ઊભી થા સુલેખા ! હવે તારી વંદના પામવાનો અમને અધિકાર નથી……’

‘કાં, ગુરૂદેવ ?’