પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અધિકારી
૩૦૩
 

 'જીવતા જીવોને કેમ ભૂલી શકાય ?' સૂરીજીએ મીઠું મધ હાસ્ય વેર્યું. એ હાસ્યમાં જીવતા જીવોને ભૂલી જનારાઓ ઉપર ભારોભાર કટાક્ષ હતો.

સૂરીજીએ ફરી એમી તરફ જોઈને પ્રેમાળ હાસ્ય વેર્યું.

સુલેખા જરા છોભીલી બની ગઈ.

એનો ક્ષોભ ઓછો કરવા વિમલસૂરીએ તરત વાત બદલી :

'હવે મને ગોચરી વહોરાવવી છે કે આ વાતોનાં વડાં જ પીરસશો ?'

'હમણાં જ હું વહોરાવવાનું કરતી હતી.' કહેતી સુલેખા પોતાના 'તપોવન' તરફ જવા ઊપડી.

'ના, ના, એ તમારા રસોડાની ગોચરી હવે મને ન ખપે.' સૂરીજીએ કહ્યું.

સાંભળીને પહેલાં તો સહુ ચોંકી ઊઠ્યાં.

'મારે તો આ રસોડાનું, અહીંનું જમાતું જમણ જ વહોરવું છે.' સૂરીજીએ ઘટસ્ફોટ કર્યો.

સુલેખા સમજી ગઈ. અને રાજી પણ થઈ. અન્નક્ષેત્રના રસોડાને સૂરીજી પાવન કરે એથી વધારે શું જોઈએ ?

હરખભરી સુલેખા અન્નક્ષેત્રના રસોડા તરફ જવા લાગી.

'નહિં, તમારે હાથે પણ ગોચરી ન ખપે.' સૂરીજી આજે આવા આંચકા જ અનુભવતા હતા.

'હું નહિ તો કોણ વહોરાવે?' સુલેખાએ પૂછયું : 'રઘી વહોરાવે ? – અરે ભૂલી, એમી વહોરાવે ?'

'હા. સાચો અધિકાર તો એનો જ છે.' સૂરીજી બોલ્યાઃ 'પણ થોભો જરા, એમી કરતાંય વધારે યોગ્ય અને સાચો અધિકારી તો બાળનાથ જ છે. બાળનાથ વહોરાવે !' સૂરીજીએ હુકમ કર્યો.