પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૬
વ્યાજનો વારસ
 

 ‘આપણે તો કાંઈ જાણતા નથી, પણ કહેવાય છે કે એના પિતરુનો શરણાઈમાં જીવ રહી ગયો છે. એટલે, શરણાઈ સાંભળે કે તરત હક હક હક કરતાં સરમાં આવી પૂગે.’ રઘીએ ધૂણવાનો લહેકો પણ કરી બતાવ્યો.

‘એવું તે વળી શું કૌતુક હશે ?’

‘કૌતુકબૌતુકનું આપણે તો કંઈ જાણતા નથી, પણ ગામ વાતું કરે એ સાંભળીએ. કહે છે કે એના પિતરુનાં અંતરિયાળ મોત થ્યાં તાં ને એમાંથી શૂરાપૂરા થ્યા.’

‘એમ કે ?’ સુલેખાએ વાતમાં રસ બતાવ્યો.

‘હા બહેન ! એક જાન પરણીને પાછી વળતી હતી, કોક ઠેકાણે ટાઢો છાંયડો ને વાવ દેખીને ટીમણ કરવા બેઠી...’

‘પછી ?’

‘પછી તો ટીમણ કરીને સૌ થ્યાં તરસ્યાં. વાવમાં ઊતરી ઊતરીને જાનૈયા ગયા પાણી પીવા. વરરાજાએ હઠ લીધી કે હું પણ વાવ જોવા આવું. એ પણ પરાણે ભેગા ગયા. હવે થાવાકાળ છે ને, તે વાવનાં પગથિયાં હતાં લપટણાં. આદુકાળની બંધાવેલ વાવનાં પગથિયાં તો ઘસાઈ જ ગયાં હોય ને ? વરરાજાનો પગ લપટ્યો ને સીધા, માથોડાંમોઢ ગળકાં લેતા ભમરિયા પાણીમાં. ભેખડની કોક બોખમાં સલવાઈ ગયા, તે કેમે કર્યા હાથ આવ્યા જ નહિ....’

‘પછીથી એની પરણેતરનું શું થયું ?’ સુલેખાએ અધીરપથી પૂછ્યું.

‘કન્યા ને લૂણાગરી તો વાંહે ગાડામાં બેઠાં બેઠાં વરરાજાની ને જાનૈયાની વાટ જોઈને જોઈને થાક્યાં એટલે કન્યા પણ બધોય મોભોમલાજો મૂકીને વાવ ઢાળી ધોડતી ગઈ. જઈને સંધુંય જોતાંવેંત કન્યા પણ ભફાકો મારીને વાવમાં ખાબકી. ધણીનું મોત