પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લાખિયારની દુઆ
૨૧
 

 એટલે વાતવાતમાં તપી જાય છે. તારા ઉપર હુકમનામું ન બજાવવું એમ તું કે'તો હોય તો બીજો એક રસ્તો છે. તારી લાખ રૂપિયાની આબરૂય બાંધી મુઠીમાં સચવાઈ રેશે ને ઘીના ઘડામાં ઘી પડી રેશે.'

'એમ કાંઈ થાતું હોય તો એનાથી રૂડું બીજું શું? મારી તો જંદગાની તમારા હાથમાં છે. તમે મારો કે તમે જિવાડો.'

'અમારે તને મારી નાખીને લાખના બાર હજાર જેવો ધંધો નથી કરવો.' ચતરભજે વળી વચ્ચે ટમકો મેલ્યો.' તુ જીવતો હોઈશ તો બે દોકડા વ્યાજનાય ખાટશું. મરી જઈશ તો ખાપણેય પીળે પાને ઉધારીને અમારે ઓઢાડવું પડશે. એ ખોટનો ધંધો અમારી પાસે કરાવજે મા ભલો થઈને.'

ફરી લાખિયાર અને આભાશા હસ્યા. આભાશાને લાગ્યું કે આ પારસ્પરિક હસાહસની પળનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. એમણે ઘા કર્યો :

'લાખિયાર, તારે ખાતે લેણી નીકળતી કુલ રકમને મુદ્દલમાં ફેરવીને એના સાટામાં તારાં ખોરડાં માંડી દે એટલે ખટખટ મટે. પછી તારે માથે ઘીના ઘડા.'

અડીખમ લાખિયારના ડીલનાં અંગેઅંગમાં જાણે કે એકાંતરિયા ટાઢિયા તાવની ધ્રૂજ ઊપડી, બોલ્યો.

'શાબાપા ! તમારી જીભે આ વાત ! મારાં કૂબા જેવાં ખોરડાં ઉપર તમ જેવા દુલા રાજાની નજર બગડી ?'

'હવે બગડી ને સુધરીની માંડવા કરતાં મૂળ મુદ્દાની જ વાત કર્ય ને !' ચતરભજની ધીરજની હદ હવે આવી રહી હતી.

'તારાં ખોરડાં કાંઈ હું ઝૂંટવી લેવાનો નથી, એટલી તો તું ધરપત રાખજે. આ તો બધી કાગળિયાંની રમત છે. કાયદા કરી મેલ્યા છે એટલે એ પ્રમાણે હાલ્યા વિના છૂટકો થોડો છે.' આભાશાએ કહ્યું.